________________
પ્રાર્થના
દોરવાઈ કલ્યાણમાર્ગ સ્વીકારવા તથા સંસારમુક્ત થવા ભાગ્યશાળી બની શકે છે. આવી શુભની પરંપરા સર્જાતાં જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેનાં ફળરૂપે પ્રાર્થક જીવ આત્મવિશુદ્ધિ પામવામાં બમણો વેગ કેળવી શકે છે.
જીવનનિર્વાહ માટે પ્રત્યેક મનુષ્યને ધનની આવશ્યકતા છે. જ્યારે નિર્વાહ પૂરતા ધનનો અભાવ હોય, પ્રયત્ન કરવા છતાં ધનપ્રાપ્તિ ને બદલે ધનવ્યય તરફ તે જીવ ઘસડાતો હોય તેવા સંજોગોમાં તેને નિર્ધનાવસ્થા ખૂબ અકળાવી મૂકે છે. તેને સતત ધન મેળવવા માટેના વિચારો ચાલ્યા કરે છે. તેમાં કોઈ સહાયરૂપ ન થયું હોય તેનો દોષ, કોઈએ કંઈ વિઘ્નરૂપ વર્તન કર્યું હોય તો તેનો દોષ તે મનમાં મનમાં વાગોળ્યા કરે છે અને સમય આવ્યે બદલો લેવાના, તેને બતાવી દેવાના ભાવોમાં ખોવાઈ જાય છે. આવા અનેક મંદ તથા તીવ્ર વિકલ્પોરૂપ આર્ત તથા રૌદ્ર સ્થાન સેવી તે વર્તમાન ધનના દુ:ખની સાથે માનસિક પીડામાં પણ ઘણો વધારો કરે છે. વળી આર્ત તથા રૌદ્ર સ્થાનવાળા કાળમાં અનેક નવાં અશુભ કર્મો બંધાય છે કે જે ભાવિમાં વેરવૃત્તિ, ઈષ્ટ અપ્રાપ્તિ અને અનિષ્ટ પ્રાપ્તિવાળું ફળ આપે છે. આમ વર્તમાન દુ:ખમાં અશુભ ભાવસહિત પ્રવર્તવાથી ભાવિના દુ:ખની પરંપરા સર્જાઈ જાય છે. આવી દુ:ખદ સ્થિતિમાં જો તે જીવને સમજાવવામાં આવે કે શાંતભાવે ભોગવીને આ કર્મ નિવૃત્ત કરો, તો તેનાથી તે પ્રમાણે વર્તી શકાતું નથી, એટલું જ નહિ પણ આ જાતની સલાહ આપનાર પ્રતિ તેને અણગમો ઉત્પન્ન થાય છે. તેને લાગે છે કે, “મારા જેવી કઠણાઈમાંથી પસાર થાઓ તો ખબર પડે કે એ કેવું દુષ્કર કાર્ય છે. સલાહ તો બધાં આપી શકે, પાલન કરો તો ખરા!' વગેરે. આથી આ સલાહ યોગ્ય હોવા છતાં સામા જીવને અશુભ બંધનમાં જકડવાનું સાધન બની જાય છે. વળી, એ પણ સત્ય છે કે અનુભવમાંથી પસાર થતી વખતે જે સમજાય છે તે સાંભળવાથી સમજાતું નથી.
એક પ્રસિદ્ધ સર્જન રોજના નાનાં મોટાં કેટલાંયે સફળ ઓપરેશનો કરતા હતા. સાચવણી માટે એ સર્જન રોજ દરદીનાં ખબર અંતર પૂછવા જતા. દરદી પોતાને થતી અત્યંત પીડાની વાત તેને કરવા આતુર રહેતા – આશ્વાસન મેળવવાની અભિલાષાથી.
૪૩