________________
કેવળી પ્રભુનો સાથ
જેટલો વિશેષ હોય તેટલો વિશેષ લાભ શિષ્યને થાય છે. તેની સાથે શિષ્યની ઉત્તમ પાત્રતા એટલો જ બળવાન સાથ આપે છે. દાતા અને લેનારની પાત્રતા જેમ વિશેષ તેમ પ્રગતિ ઝડપી થાય છે, અને આપનાર તથા લેનારની પાત્રતાની જેમ મંદતા વધારે તેમ પ્રગતિ પણ ઘણી ધીમી થાય છે. આથી આપણે ટૂંકાણમાં કહી શકીએ કે અસંખ્યાત સમયથી વધારે કાળની ભિન્નતા વધારવામાં સદ્ગુરુના કલ્યાણભાવ અને ક્ષયોપશમ ઉપરાંત શિષ્યનો સભાન પુરુષાર્થ પણ એટલો જ ઉપકારી થાય છે. આ પરથી આત્માર્થે સતત વિકસવા અર્થે ગુરુની આજ્ઞામાં રહી વર્તવું કેટલું મહત્વનું છે તે સમજાય છે. તે જીવને તેના સદ્ગુરુ માટે જેમ જેમ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધતાં જાય છે તેમ તેમ શ્રી ગુરુના પ્રબળ કલ્યાણભાવને ખેંચવાની જીવની શક્તિ પણ વધતી જાય છે. પરિણામે વિશેષ સંખ્યાનાં અને વિશિષ્ટ પ્રકારનાં કલ્યાણનાં પરમાણુઓ મેળવી જીવ પોતાની આત્મસ્થિરતા વધારી કર્મની બળવાન નિર્જરા કરી શકે છે. નિર્જરા વધતાં આત્મશુદ્ધિ પણ વધતી જાય છે. અને તેનાં ફળરૂપે આગળ વધતાં અનેક સત્પુરુષ તરફથી પ્રસરતા કલ્યાણભાવ ગ્રહણ કરવાનું સામર્થ્ય પણ તેનામાં પ્રગટ થતું જાય છે.
જીવ જ્યારે ક્ષયોપશમ સમકિતની અવસ્થા સુધી વિકાસ કરે છે, ત્યારે શ્રી સદ્ગુરુ સાથે તેનો નાતો બંધાઈ ગયો હોય છે. એ આત્મા સાથે શિષ્યને શુભ ઋણાનુબંધનો ઉદય થયો હોવાથી તેને શ્રી ગુરુ માટે શુભ પ્રેમભાવ જાગૃત થાય છે, અને ગુરુ જ પોતાના સાચા તારણહાર છે, સાચા કલ્યાણદાતા છે એવી લાગણી તેને સ્પષ્ટ થતી જાય છે, વધતી જાય છે. આમ તેને ગુરુની સાચી ઓળખ મળે છે અને તેમના માટેનો શ્રધ્ધાભાવ વધતો જાય છે. તેથી જીવની પુરુષાર્થ કરવાની શક્તિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આત્મવિકાસ કરવામાં ગુરુનો ફાળો ઘટતો જાય છે અને શિષ્યનો ફાળો વધતો જાય છે. ક્ષયોપશમ સમિત લીધા પછી જીવમાં શ્રી ગુરુ કહે તેમ કરવાના ભાવ તથા તેમની આજ્ઞાએ ચાલવાના ભાવમાં સુધારો થતો જાય છે. પરિણામે ગુરુની સમર્થતા શિષ્યના પુરુષાર્થને ઘણો વેગ આપી શકે છે.
૩૪૬