________________
કેવળી પ્રભુનો સાથ
દેવા જેવાં છે. આ પ્રકારના આરાધનથી ઘણાં ઘણાં કર્મોની બેડી છિન્નભિન્ન થઈ જાય અને પ્રભુ આજ્ઞાએ કરેલા સદ્વર્તનથી જ્ઞાનના ભેદો તથા રહસ્યો પ્રકાશિત થતાં જાય. આ કારણથી શ્રી પ્રભુના આશ્રયે અને આજ્ઞાએ શ્રી પુરુષો આવા વિષમ સંસારમાં દુઃખાર્ત અને શોકાર્ત સ્વરૂપને અનુભવ્યા કરતાં છતાં સમપરિણામ રાખી, જીવોને કર્મ સામે વીરતાથી લડવાનો બોધ આપી, આશ્ચર્યકારક મોક્ષમાર્ગનો અનુભવ કરાવી, જીવો પર અનંત ઉપકાર તથા નિષ્કારણ કરુણાનો ધોધ વરસાવી, તેમને સાંત્વન આપી આ સંસારનાં ભ્રમણથી પોતે છૂટતા જઈ, છોડાવતા પણ જાય છે. આ સમજણ મળવાથી શ્રી વીતરાગ ભગવંતને હૃદયથી વિનંતિ થાય છે કે,
“પરમ કરુણાવંત શ્રી વીતરાગ પ્રભુ! આપની અનન્ય કૃપાને કારણે આ જન્મમાં અમને પાંચ ઇન્દ્રિય, સંજ્ઞા તથા અન્ય સુવિધાઓ સાથેનો દુર્લભ ગણાય તેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, એ અમારું પરમ સૌભાગ્ય છે. પ્રાપ્ત થયેલાં આ અહોભાગ્યનો લાભ લઈ અમે આ જન્મ સાર્થક તથા કૃતાર્થ કરવા ઇચ્છીએ છીએ. અમે જન્મ, જરા, રોગ, મૃત્યુ આદિના બળવાન કષ્ટથી આત્યંતિક છૂટવા માંગીએ છીએ. આ કાર્ય કરવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની પ્રેરણા તથા બળ આપના ઉત્તમ સંદેશાથી અમારામાં પ્રગટ થાય છે. આજની આ સુલભતાવાળી પરિસ્થિતિએ અમે કઈ રીતે પહોંચ્યા તેની સમજણ મળવાથી અને વિચારણા કરવાથી અમારા હૃદયમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અને સર્વ જ્ઞાની પુરુષોએ અમારા પર કરેલા અગણિત ઉપકારની સભાનતા છવાઈ ગઈ છે. તેથી પરમ ભક્તિભાવથી અને હૃદયના ઉલ્લાસથી અમે સર્વ જ્ઞાનીપુરુષોનાં ચરણકમળમાં મસ્તક ઝુકાવી અહોભાવ સાથે દંડવત્ પ્રણામ કરીએ છીએ. તે સાથે તેમણે અમને આપેલા સાથની વિશેષ ઊંડી સમજણ પામવા માટેના અધિકારી થવાનો પુરુષાર્થ માગીએ છીએ. અમારા પર એવી કૃપા વરસાવો કે અમે સદાય તમારી કૃપાના પાત્ર રહીએ.”
૩૦૪