________________
કેવળી પ્રભુનો સાથ
જ્ઞાન, દર્શન તથા ચારિત્રને પ્રગટ થઈ એકરૂપ થતાં અટકાવનાર એવું ચોથું ઘાતીકર્મ છે અંતરાય. અંતરાય બે પ્રકારે છે: વ્યવહારથી અને પરમાર્થથી. જીવને સંસારના ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થવા ન દે, તે પદાર્થોની પ્રાપ્તિથી વંચિત રાખે તે વ્યવહાર અંતરાય. અને આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવાં ન દે તે પરમાર્થ અંતરાય. અંતરાય કર્મના જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી, એટલે કે તેની કાર્યશક્તિ ભાંગી જાય છે. પણ જેમ જેમ તે સત્પુરુષનો આશ્રય દૃઢતાથી ગ્રહણ કરતો જાય છે, તેમ તેમ તે શુભભાવી બની પોતાની પરમાર્થની અંતરાય તોડે છે; તેનું વીર્ય ખીલે છે અને જેમ જેમ તેનું વીર્ય ખીલતું જાય છે તેમ તેમ તે પરમાર્થની અંતરાય તોડવા સાથે વ્યવહારની અંતરાયો પણ તોડતો જાય છે. તે ૫રમાર્થે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી ક૨વા ભાગ્યશાળી થાય છે, સાથે સાથે સંસારના શાતાકારી પદાર્થો યોગ્ય સ્વરૂપે મેળવવા સદ્ભાગી બને છે. સામાન્યપણે જીવ જ્યારે સંસારી પદાર્થો માટે મોહ તથા સુખબુદ્ધિનું વેદન કરે છે ત્યારે તે વેદન વખતે પોતાનાં શુધ્ધ સ્વરૂપથી જૂદો પડે છે, અને એ અનુભવાતું અંતર અંતરાય કર્મ બંધાવાનું નિમિત્ત થઈ જાય છે. આમ મોહ પરમાર્થ અંતરાય બંધાવાનું એક કારણ બને છે. મળેલી સમજણના આધારે ક્ષપક શ્રેણિમાં જીવ મોહનો ક્ષય કરે છે અને ત્યારથી નવાં અંતરાય કર્મ બંધાતા નથી. બારમા ગુણસ્થાને ૫રમાર્થ અંતરાયનો પૂરો ક્ષય થાય છે અને કેવળજ્ઞાન કેવળદર્શનને લગતી તેની અંતરાય ક્ષય થતાં આત્મા પૂર્ણતાએ જ્ઞાન તથા દર્શન મેળવે છે; તે સાથે અનંતવીર્ય પણ તેને મળે છે.
આ રીતે જોઈએ તો ચારે પ્રકારનાં ઘાતીકર્મનાં બંધનનું મૂળ મોહમાં તથા ૫૨૫દાર્થ માટેની સુખબુદ્ધિમાં રહેલું દેખાય છે. જેમ જેમ જીવનો મોહ ઘટતો જાય છે – દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહરૂપ ચાર કષાય અને નવ નોકષાય નીકળતાં જાય છે તેમ તેમ અન્ય બંધન પણ અલ્પ થતાં જાય છે. મોહના ઉદયને કારણે જીવને સંકલ્પ તથા વિકલ્પ થાય છે. સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન
૨૮૪