________________
કેવળી પ્રભુનો સાથ
તે રાચે છે. દેહનાં પ્રત્યેક છિદ્રમાંથી જે ગંદકી વહે છે. જેમકે મળ, મૂત્ર, પસીનો, શ્લેખ, ચીપડા, કાનનો મેલ, થૂક આદિ વિશે તેને આવરિત કરવાની વૃત્તિ રહે છે. દેહમાંથી દુર્ગધ છૂટે છે તેને છૂપાવવા સુગંધી દ્રવ્યનું લેપન કરે છે, સ્વાદિષ્ટ ખોરાક ખાધા પછી તેનું મળ અને મૂત્રમાં રૂપાંતર થાય છે તે વિશે આંખ આડા કાન કરે છે. પ્રત્યેક સંસારી જીવથી થતી આ પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે કે આવા જીવની દેહાસક્તિ ખૂબ જ બળવાન હોય છે, અને તેને દેહમાં જ આત્મબુદ્ધિ વર્તે છે. જ્યાં સુધી જીવ દેહમાં જ સર્વસ્વ સમજીને વર્તે છે ત્યાં સુધી તેને આત્મસ્વરૂપનો લક્ષ થવો સંભવતો નથી. આવી પ્રબળ દેહાત્મબુદ્ધિને મંદ કરવા “અશુચિભાવના” ઉપયોગી થાય છે, અને આ ભાવના જીવનમાં સુષુપ્ત ચેતનને જાગૃત કરવામાં મદદ કરે છે.
જે દેહમાં કર્મ ભોગવવાં અર્થે જીવ વસે છે તે દેહ માંસ, પરુ, રુધિર, હાડકું, મજ્જા આદિ સાત ધાતુઓનો બનેલો છે. ચામડીનું આવરણ કાઢી લઈ આ તત્ત્વો જોવામાં આવે તો તે નજરને જુગુપ્સા કરાવનાર લાગે છે, વળી ચામડીથી ઢંકાયેલા આ બધાં તત્ત્વ દેહમાં રહ્યા રહ્યા ગમે ત્યારે વિણસી કષ્ટદાતા થઈ જાય છે. જે દેહનું સતત પાલનપોષણ કરવામાં આવે છે, જેને વિવિધ પ્રકારે શણગારી શોભાયમાન દેખાડવામાં આવે છે, તે દેહ ગમે ત્યારે દુર્ગધમય, અશુચિમય બની જીવને ઘણો ત્રાસ આપે છે. દેહને અનેક પ્રકારે સ્વચ્છ કરવામાં આવે તો પણ તેનાં છિદ્રોમાંથી અશુચિ પ્રગટ થયા જ કરે છે. ગમે તેવાં સુગંધી કે મિષ્ટ પદાર્થો દેહને ખવડાવવામાં આવે, લેપન કરવામાં આવે, તો પણ થોડા જ કાળમાં ખાધેલાં પદાર્થો દુર્ગધી મળમૂત્રમાં જ પરિણમે છે અને લેપન કરેલા સુગંધી પદાર્થો દેહના પ્રભાવથી દુર્ગધ મારતા બની જાય છે. સ્વચ્છ સાફસૂતરા વસ્ત્રો દેહના સંસર્ગમાં આવી પસીનાની વાસથી ભરપૂર બની જાય છે. આમ શરીરના સંપર્કમાં જે કોઈ પદાર્થ આવે તે શરીરની અસરથી અશુચિમય થઈ જાય છે. દેહની અશુચિ એટલી બળવાન છે કે તે કોઈ પણ પદાર્થને મલિન કર્યા વિના છોડતી નથી. તો આવા મલિન દેહમાં જો આત્મા આસક્તિપૂર્વક વસે તો તેની મલિનતા કેટલી વધી જાય! આ વિશે તો કલ્પના જ કરવી ઘટે.
૨૧૮