________________
પ્રાક્કથન
ઊડી ગયો હતો. એક માત્ર સતત પ્રાર્થના જ જુદા જુદા શબ્દો દ્વારા થયા કરતી હતી. આ દશામાં લગભગ ત્રણ દિવસ પસાર થઈ ગયા, અને તે રાતના નવેક વાગે પ્રાર્થના કરતાં કરતાં હું સૂઈ ગઈ, મન શાંત થઈ ગયું હતું. લગભગ અડધી રાતે મારી સામે મોટા લંબગોળ આકારનો તેજસ્વી પ્રકાશ આવ્યો, અને તેમાં મેં જીવંત કૃપાળુદેવનાં દર્શન કર્યાં. હું તેમને પગે લાગી. તેમણે મને પૂછ્યું કે, “શું મુશ્કેલી છે ?” આત્મવિકાસનું પ્રકરણ લખવા બાબત મેં મારી કથા અને વ્યથા જણાવ્યાં. તેમણે મને કહ્યું, “મૂરખ છે! આટલું પણ સમજાતું નથી?” મેં મારી અજ્ઞાનતા કબૂલ કરી અને રહસ્ય સ્ફોટ કરવા વિનંતિ કરી. તેમણે મારી પાસે વચનામૃત માગ્યું અને મેં આપ્યું.
એ વચનામૃત ખોલી તેઓ વર્ષવાર અમુક અમુક વચનો સંભળાવી તેમાં સમાયેલા આત્મવિકાસના ભેદ ખોલતા ગયા. એ વચનો દ્વારા તેમનાં ભાવ, વાણી તથા વર્તનમાં વર્તતો ફેરફાર મને બતાવતા ગયા. અને તેમાં ક્યો વિકાસ રહેલો છે તે સમજાવતા ગયા. આમ આખા વચનામૃતના સહારે તેમનાં જીવનના ચારે તબક્કા મને સમજાવ્યા. છેવટે પૂરું થતા આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. મને ખૂબ આનંદ તથા સંતોષ થયો. લગભગ ત્રણેક કલાક આ વાર્તાલાપ ચાલ્યો હોય તેમ જણાયું. બધું સમજાયું હોય તેવી લાગણી થઈ. તે પછી હું પાછી સૂઈ ગઈ.
સવારે સાત વાગે ઊઠી, દૂધ પી, નાહીને લખવા બેઠી. જે જે જરૂરી પુસ્તકો લાગ્યા તે તે લઈ, પ્રભુને પ્રાર્થના કરી, તેમના ચિત્રપટ નીચે બેસીને લખવાનું શરૂ કર્યું. એકધારા વચનો લખાવાં લાગ્યાં. જાણે કોઈ લખાવતું ન હોય! એ ઉપરાંત જે જે અવતરણો જે જે ગ્રંથમાંથી લેવાનાં હતાં, તે તે સહજતાએ ક્રમવાર મળતાં ગયાં. લખવાનો વેગ એવો અદ્ભુત હતો કે મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. જમવા પણ ઊઠી નહિ અને બપોરે ચાર વાગે એક જ બેઠકે લખાણ પૂરું કર્યું. શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માની જમવા બેઠી. હું જમતી હતી ત્યાં મારા સ૨ ડો. રમણભાઈ તપાસ ક૨વા આવ્યા કે મારી હાલત શી છે, મેં તેમને ખબર આપ્યા કે પ્રસ્તુત પ્રકરણ લખાઈ ગયું છે. તેઓ ખુશ થયા. અને એક અઠવાડિયામાં એ પ્રકરણ તપાસીને પાછું આપવાનો વાયદો કરી પોતાનાં ઘરે ગયા, દરમ્યાન મને થીસીસ ટાઈપ કરવાનું શરૂ કરવા જણાવ્યું.
XV