________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.”
જીવ જ્યારે ઊંડા ધ્યાનમાં લીન બને છે ત્યારે તેને શુદ્ધ આત્માના ગુણોનો પરિચય થાય છે. એ પરિચયમાં અનુભવાયેલા ગુણોનું વર્ણન અહીં કર્યું છે. પ્રભુનો શુદ્ધ આત્મા “નીરાગી” છે. નીરાગી એટલે રાગરહિત. જગતમાં પ્રવર્તતા સર્વ જીવોને જે જે પદાર્થો તથા પરિસ્થિતિ પ્રાપ્ત થયાં હોય છે, તે સર્વ વિશે ગમા કે અણગમાના ભાવ તેને પ્રવર્તે છે; એટલે કે રાગનો અથવા દ્વેષનો અનુભવ તેને તરતમપણે થયા કરતો હોય છે. આ ભાવોને કા૨ણે તેને સતત અશાતા ઉદિત રહે છે. જો આ અશાતાથી છૂટવું હોય તો જીવે રાગદ્વેષથી છૂટવું જોઈએ. એ પણ સમજવા યોગ્ય છે કે રાગના આધારે દ્વેષ અનુભવાય છે, જે રાગ થાય છે તેને પોષણ ન મળે તો તેમાંથી દ્વેષ જન્મે છે. તેથી જો રાગ તૂટે તો દ્વેષ આપોઆપ તૂટી જાય છે. રાગના અસ્તિત્વ વિના જીવ દ્વેષ ધરાવી શકતો નથી. તેથી જેઓ રાગભાવથી મુક્ત થાય છે તે દ્વેષથી પણ મુક્ત થઈ જાય છે. અને રાગદ્વેષથી પર રહેનાર પરમ શાતા વેદે છે. પ્રભુને પ્રાપ્ત થયેલી પરમ શાતાના મૂળમાં તેમનું રાગરહિતપણું છે તે સમજાવાથી જીવ તેનું આકર્ષણ વેદે છે.
આગળ વધતાં “નીરાગી”પણાના અનુસંધાનમાં જે ગુણ પ્રભુમાં જોવા મળે છે તે તેમનું “નિર્વિકારી”પણું છે. વિકાર એટલે ફેરફાર. નિર્વિકાર એટલે ફેરફાર રહિત. સામાન્ય રીતે જીવ જે કોઈ સ્થિતિના યોગ કે વિયોગમાં મૂકાય છે તે વિશે તે અંતરંગમાં રાગ અથવા દ્વેષના ભાવ અનુભવે છે. અને તે ભાવ બળવાન હોય ત્યારે તેની અભિવ્યક્તિ અંગઉપાંગના હાવભાવથી કરે છે. આ બંને જાતના ફેરફાર તે તેનું વિકારીપણું છે. સંસારમાં પરિભ્રમણ કરતો કોઈ પણ જીવ વિકાર રહિત દેખાતો નથી, તેની સામે પ્રભુમાં જોવા મળતું નિર્વિકા૨પણું – અડોલપણું જીવને આકર્ષી જાય છે. પ્રભુ ગમે તેવી પરિસ્થિતિમાં હોય છતાં નિર્વિકારી જ હોય છે, તેમના ભાવનો કોઈ પણ પ્રકારનો ફેરફાર સંભવતો નથી, તેમની સ્થિરતા અવ્યાબાધ રહે છે. જ્યાં ભાવથી પણ વિકાર છે ત્યાં કર્મબંધન છે તેથી કર્મથી મુક્ત રહેવા માટે નિર્વિકારીપણું અત્યંત આવશ્યક ગુણ છે.
૧૦૪