________________
કેવળી પ્રભુનો સાથ
એ માર્ગનું યથાર્થ પાલન કરનાર જે કોઈ હોય તેના પ્રત્યક્ષ પરિચયમાં રહેવું જોઈએ. વર્તમાનમાં શ્રી પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગમાં ચાલનાર જે છે તે મુનિજનો છે. તેઓ સર્વસંગ પરિત્યાગી આત્મનોન્નતિ કરવા મોક્ષમાર્ગ આરાધે છે. તે મુનિજનનો પ્રત્યક્ષ પરિચય પામી, માર્ગનું તાદશપણું કરવાના હેતુથી જીવ પ્રભુને કહે છે કે “તમારા મુનિનું શરણ રહું છું.” આમ જીવ પ્રભુનું, પ્રભુ બોધિત ધર્મનું અને તે ધર્મમાર્ગે ચાલતા મુનિનું શરણું લઈ કર્મની સામે લડવા ત્રિવિધ કિલ્લો તૈયાર કરે છે.
આ ત્રિવિધ શરણું લેવાનો હેતુ કોઈ સાંસારિક સુખ કે વૈભવની પ્રાપ્તિનો નથી, તે વિષે જીવ અત્યંત સ્પષ્ટ છે. હાલ સુધીમાં જીવે અનેક વખત ધર્મારાધન તો કર્યું હતું, પરંતુ તેમ કરવાનો જીવનો હેતુ સાંસારિક લાભ મેળવવાનો હતો, તેથી સંસારસુખ મેળવવામાં જ સંચિત પુણ્ય વપરાઈ જતું હતું, પરિણામે ભવભ્રમણનો એક પણ આંટો ઘટયો ન હતો. આ સ્થિતિની સમજણ આવી હોવાને કારણે જીવ મક્કમપણે નક્કી કરે છે કે હવેથી જે કંઈ ધર્મ આરાધન થાય તેનાં ફળરૂપે સંસારસુખ નહિ પણ આત્મિક સુખ જોઈએ છે. પ્રથમનું સુખ ક્ષણિક છે અને દુ:ખથી પ્રહાયેલું છે, ત્યારે દ્વિતીય સુખ શાશ્વત છે સાથે સાથે દુ:ખના પડછાયાથી પણ પર છે. તેથી જીવ અભિલાષા કરે છે કે “મારા અપરાધ ક્ષય થાય, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે.” આ વચન દ્વારા સ્પષ્ટ થાય છે કે શરણ ગ્રહણ કરવાનો જીવનો હેતુ સાંસારિક વૃત્તિઓને પોષવાનો નહિ, પણ પોતાના સ્વરૂપને ભૂલી જવા રૂપ અપરાધનો ક્ષય કરવાનો છે. તે અપરાધ ક્ષય કરી, તેનાં (અપરાધના) અનુસંધાનમાં કરેલાં સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થવાની મહેચ્છાથી આ શરણું લીધું છે તેવી સ્પષ્ટતા ઉપરના વચનમાં અનુભવાય છે.
લાધેલાં સાચા શરણાંથી જીવને માર્ગની જાણકારી તથા તેનાં ઊંડાણભર્યા રહસ્યોની જાણકારી વધુ ને વધુ આવતી જાય છે. આ ભેદ તથા રહસ્યોની જાણકારીના આધારે જીવ યથાર્થ ધર્મારાધન કરી શકે છે. તે અનુભવજ્ઞાન પ્રકાશતા જીવ કહે છે, “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.”
૧૦૨