________________
ક્ષમાપના
કરતાં પહેલાં સહુ જીવોની સાચા અંતરથી ક્ષમા માગવાની અને જે કંઈ શુભાશુભ પ્રવૃત્તિ સમગ્ર જીવન દરમ્યાન જીવથી થઈ હોય તેના કર્તાપણાના ભાવ આત્માથી ત્યાગી દેવાની પધ્ધતિને શ્રી પ્રભુએ કલ્યાણાર્થે વખાણી છે. આમ કરવાથી આ ભવનાં કૃત્યોનાં વ્યાજરૂપ બંધ પરભવમાં પડતાં અટકી જાય છે. આવું ઉત્તમોત્તમ મહાભ્ય શ્રી પ્રભુએ ક્ષમાપના માટે આપણને દર્શાવ્યું છે.
વર્તમાન પંચમ આરાથી ગ્રસિત કાળમાં ક્ષમાપનાનું આ મહાભ્ય લોકોથી વિસરાઈ ગયું છે. દીર્ઘદૃષ્ટિથી વર્તવાને બદલે ટૂંકી દૃષ્ટિથી વર્તતા જીવો એ સૂક્ષ્મતાથી અને હૃદયના ઊંડાણથી ક્ષમાપના કરી શકતા નથી. પ્રભુએ વખાણેલું ભાવનું ઉત્કટપણું, સુષુપ્ત બનેલી અર્ધમાગધી ભાષામાં લોકો અનુભવી શકતા નથી, તેને બદલે એમના કિસ્સામાં એવું બને છે કે હોઠથી એ અર્ધમાગધી શબ્દો ઉચ્ચારાય અને અંતરંગમાં વિવિધ વિપરિણામો ચાલ્યા કરે. આથી કરેલું પ્રતિક્રમણ યાંત્રિક બની જાય છે. પરિણામે યથાર્થ ભાવવાહી તથા ફળદાયક ક્ષમાપના તેમનાથી થઈ શકતી નથી. માત્ર ઓઘસંજ્ઞાએ પ્રતિક્રમણરૂપ ક્ષમાપના તેમનાથી થયા કરે છે. આવી પરિસ્થિતિમાં લોકો પ્રતિક્રમણ કરવાનું જ કેટલીકવાર માંડી વાળે છે અને પોતાને ભયંકર અન્યાય કરી બેસે છે.
આ કૃત્યથી પ્રાપ્ત થતા દુર્ભાગ્યથી બચાવવા શ્રીમદ્ રાજચંદ્ર નમૂનારૂપ એક ક્ષમાપના લોકભોગ્ય ગુજરાતી ભાષામાં તેમના “મોક્ષમાળા” નામના ગ્રંથમાં આપી છે. શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળામાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવતાં ૧૦૮ પાઠની રચના કરી છે. શ્રી અરિહંત ભગવાન, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજીના ગુણોનો સરવાળો ૧૦૮ થાય છે. તેને લક્ષમાં રાખીને કૃપાળુદેવે આ સંખ્યા રાખી જણાય છે. તેમાં છપ્પનમો પાઠ “ક્ષમાપના” વિશે છે. આ પાઠમાં સાધક જીવ પ્રભુને ઉદ્દેશી પોતાના દોષોની કબુલાત કરે છે; તેનો પશ્ચાત્તાપ કરે છે અને તે દ્વારા શુદ્ધ થવાનો પુરુષાર્થ ઉપાડે છે. આમ ક્ષમાપનાનું મહાભ્ય સ્થાપન કરનાર આ પાઠની રચના એવી સુંદરતાથી અને સહજતાથી થયેલ છે કે તેમાં ૧) મોક્ષમાર્ગનું દઢત્વ કરાવનાર આત્માનાં છ પદ; ૨) મોક્ષનાં હેતુભૂત નવ તત્ત્વ; ૩) આત્મવિકાસનાં સોપાન સૂચવતાં ચૌદ ગુણસ્થાન અને