________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
(૧) આપ પ્રભુએ શત્રુ કે મિત્રના ભેદભાવ વિના તમામે તમામ જીવોનું કલ્યાણ ઈચ્છયું છે, તેમ કરવું કરુણા અને કોમળતા વિના શક્ય જ નથી. વળી સર્વ કર્મોનો ક્ષય કરવામાં તમારા જેવું કોઈ કઠોર નથી, એ તમારી તીક્ષ્ણતા છે. આમ તમે કુસુમ (ફૂલ)થી પણ કોમળ હોવા છતાં વજથી પણ કઠોર છો એ અનુભવાય છે. વળી અપ્રમત્ત ભાવથી તમે કેવળીરૂપે કે સિદ્ધાવસ્થામાં જગતના સર્વ પદાર્થોને તટસ્થપણે – રાગદ્વેષ રહિત રહી જોયા કરો છે તે તમારી ઉદાસીનતા છે. બીજી રીતે વિચારીએ તો તમે સર્વ સંસારી જીવોને અભયદાન આપો છો અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી નિર્ભય કરો છો તે તમારી કરુણા અને કોમળતા છે. આ કરુણાને લીધે બીજાને પોતાનાં કર્મક્ષય કરાવવામાં તમે મદદરૂપ થાઓ છો, આ કર્મમલ ક્ષય માટે જ્ઞાનાદિ ગુણોપણે તમે આત્મપરિણતિમાં લીન રહો છો તે તમારી ઉપયોગની તીક્ષ્ણતા છે, અને બીજાની પ્રેરણા વિના આપનો આત્મા સહજ સ્વભાવે આત્મપરિણતિમાં વસે છે તે તમારી ઉદાસીનતા છે આમ અમને આપની કૃપાથી દેખાતા વિરોધનું સમાધાન મળે છે.
(૨) તમારામાં આત્માના બધા જ ગુણો ખીલેલા હોવાથી ત્રણ ભુવનનું સ્વામીપણું એટલે ત્રિભુવન પ્રભુતા રહેલી છે, શક્તિ પૂર્ણતાએ ખીલી હોવાથી, સર્વ શક્તિમાન બની તમે ત્રિભુવન જયી છો. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતારૂપ વ્રતને ધરવાથી તમે નિર્ગથ થયા છો, અર્થાત્ કર્મનું ગ્રંથિરહિતપણું તમને મળ્યું છે. જે અભવિ કે દૂરભવિ જીવો છે તે પ્રભુની – તમારી સત્તા સ્વીકારતા નથી તે અપેક્ષાએ તમે ત્રિભુવન પ્રભુતા રહિત છો. વળી તમે અષ્ટ પ્રતિહાર આદિ ૩૪ અતિશયરૂપ ઋદ્ધિના ભોક્તા હોવાથી તથા સ્વગુણમાં રમણતા રૂપ મમતા હોવાથી તમે નિર્ગથતા રહિત લાગો છો.
(૩) તમારું મોક્ષ સાથે જોડાણ હોવાથી તમે યોગી છો. સમગ્ર આત્મગુણોના ભોક્તા હોવાથી તમે ભોગી છો. વળી મન, વચન અને કાયાના યોગ ન હોવાથી તમે યોગરહિત છો, તથા તમારે દુન્યવી ભોગનો સર્વથા ત્યાગ હોવાથી તમે ભોગરહિત પણ છો.
૨૯