________________
અઢાર પાપસ્થાનક
વળી, હિંસાને કારણે ત્રણ અઘાતી કર્મના બંધ પણ જીવને પડે છે. કષાયુક્તભાવ સાથેની હિંસામાં અશુભ નામકર્મ, નીચગોત્ર અને અશાતા વેદનીય બંધાય છે, કારણ કે તે બીજા જીવને ઇરાદાપૂર્વક અશાતા પહોંચાડે છે. હિંસા કરતી વખતે જો જીવને કષાયની મંદતા હોય તો તે નીચગોત્રના બંધથી બચી જાય છે, પણ અશુભ નામકર્મ અને અશાતા વેદનીય તેનો પીછો છોડતા નથી. જો આવું અકાર્ય કરતી વખતે જીવને આયુષ્યનો બંધ પડે તો તે અશુભગતિનો જ હોય. આમ હિંસાયુક્ત પરિણામ કરી જીવ આઠે પ્રકારનાં કર્મના તીવ્રથી મંદ પ્રકારમાં અવરાતો રહે છે. તેથી જ શ્રી પ્રભુએ “અહિંસા” ને સૌ પ્રથમ આચરવા યોગ્ય વ્રત કહ્યું છે. અહિંસાનું યોગ્ય પાલન કરવાથી જીવ અન્ય પાપબંધથી પણ છૂટતો જાય છે. અહિંસાને સંપૂર્ણતયા પાળવાથી અન્ય મહાવ્રતો પણ આપોઆપ પળાતાં જાય છે.
અતિ રોદ્ર પરિણામ સહિત જ્યારે હિંસા કરવામાં આવે છે ત્યારે જીવને અતિ ભયંકર પાપબંધ થાય છે, રૌદ્ર પરિણામી હિંસકને તેનાથી થોડા અલ્પતાવાળા પાપબંધ થાય છે, આર્ત પરિણામ સહિત થયેલી હિંસામાં તેનાથી અલ્પ પાપબંધ થાય છે, અને શાંત પરિણામથી, કલ્યાણભાવ સહિત અનિચ્છાએ અનિવાર્યપણે જીવ હિંસામાં જોડાય છે ત્યારે તેને અત્યંત અલ્પ કષાયયુક્ત ઘાતકર્મો બંધાય છે, અને અઘાતી કર્મોની અશુભને બદલે શુભ પ્રકૃતિના બંધ પણ થઈ શકે છે.
હિંસાથી બંધાતા દર્શનાવરણ કર્મનો વિચાર કરતાં સમજાય છે કે તેની પેટાભેદની નવ પ્રકૃતિ છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળ દર્શનાવરણ તથા પાંચ પ્રકારની નિદ્રા. જીવને પ્રાપ્ત થતી ચોથી ઇન્દ્રિય તે ચક્ષુ. ચક્ષુનાં દર્શનને આવરણ કરનાર કર્મ ચક્ષુદર્શનાવરણ છે, બાકીની ચાર ઇન્દ્રિયોના દર્શનને આવરણ કરે તે અચક્ષુદર્શનાવરણ, મનથી થતા દર્શનને આવરણ કરે તે અવધિદર્શનાવરણ અને આત્માથી શુધ્ધતાએ થતા દર્શનને આવરણ કરે તે કેવળદર્શનાવરણ કહેવાય છે. સહેલાઈથી જાણી શકાય તેવા પ્રકારથી શરૂ કરી મહાકષ્ટ જાણી શકાય તેવા ઉંઘના પાંચ પ્રકાર દર્શનાવરણ કર્મમાં સમાય છે.
૩૦૧