________________
સમ્યકત્વ પરાક્રમ
પાસે પ્રગટ કરી શકતો નથી. જ્યાં સરળતાનો ગુણ વિકસે છે ત્યાં માયાકપટ પ્રવર્તી શકતું નથી. આથી સરળતા આવતાં માયાનો નાશ થાય છે, માયા એ સ્ત્રીવેદ તથા નપુંસકવેદના બંધનનું કારણ છે. સાથે સાથે માયા મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ બની અનંત સંસાર વધારી શકે છે. આવી બધી અશુદ્ધિઓ સરળતા આવતાં નીકળતી જાય છે. અને દબાયેલા મિથ્યાત્વનો નાશ કરવામાં સરળતા તથા આલોચના સારો ભાગ ભજવે છે. સાચી સમજણ આવે તો જ જીવ સ્વદોષદર્શન કરી શકે છે, અને સમ્યક્ સમજણ કે સમ્યક્ શ્રદ્ધાન એ મિથ્યા શ્રદ્ધાનનો કાળ છે, તેથી આલોચના કરવાથી જીવ મિથ્યાત્વને મહદ્અંશે પાતળું કરી શકે છે, તોડી શકે છે. શ્રદ્ધાન સમ્યક્ થવાથી જીવમાં ઋજુતા – કોમળતા પ્રગટ થાય છે, અને માયા તૂટતી જાય છે. પરિણામે સંસારવાસના ઘટતી જાય છે તેથી પોતે સેવેલા દોષનો થાક અને કંટાળો વેદવાનો આરંભ જીવમાં થાય છે. આમ થવાથી તે દોષથી છૂટવા પ્રયત્ન કરવા લાગે છે.
અત્યાર સુધી જીવે સન્માર્ગ ત્યાગી, દોષોના આશ્રયે રહી પોતે પોતાનું જ અહિત કર્યું છે તેવું સભાનપણું આવતાં, આલોચના કરી વિશુદ્ધ થવાની ભાવનાના બળથી પોતાની પૂર્વકાળની અશુદ્ધ વૃત્તિની તે નિંદા કરે છે, તિરસ્કાર કરે છે. આ સ્વદોષની ‘નિંદા કરવાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરરૂપે સાતમા સૂત્રમાં કહ્યું છે કે, “નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી થનાર વેરાગ્યથી કરણ ગુણશ્રેણિ મળે છે. કરણ ગુણશ્રેણિથી અણગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે.”
સાધક જીવને પોતાના દોષોનું જાણપણું જેમ જેમ આવતું જાય, તેમ તેમ તે દોષોથી છૂટવા વિશેષ પ્રયત્ન થતો જાય છે. તે માટે તેને જ્યારે દોષોનું બળવાનપણું અનુભવાય ત્યારે તે દોષનો તિરસ્કાર કરે, તેને પોતામાંથી નીકળી જવાનો હુકમ કરે, બીજી બાજુથી વર્તતા દોષના કારણ માટે પશ્ચાતાપ કરતો જાય. આ પશ્ચાતાપના કારણથી જીવનો વૈરાગ્ય દેઢ થતો જાય છે, અને સંવેગ વેગવાન થાય છે. આ વેગ કાર્યરત થાય છે ત્યારે તે કરણ ગુણશ્રેણિ કરે છે. ગુણશ્રેણિમાં જીવની એવી સ્થિતિ થાય છે કે પ્રત્યેક સમયે તેના ગુણો અસંખ્યગણા વધતા જાય છે, અને એ કાળમાં કર્માશ્રવ કરતાં કર્મનિર્જરા ઘણા વધારે પ્રમાણમાં થાય છે. પરિણામે તેનો સંસારમોહ
૧૩૫.