________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
તૈયારીનો ક્રમ સૂચવે છે. છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વચ્ચે ઝૂલતો જીવ સંસારીભાવ અને વીતરાગભાવ વચ્ચે ઝૂલે છે, ત્યારે એક વખત ખૂબ બળ કરી જીવ સંસારીભાવનો ક્ષય કરી, વીતરાગભાવનો અધિષ્ઠાતા બને છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવે છે. સંસારીભાવનું પૂર્ણતાએ વીતરાગ ભાવમાં પરિવર્તન એ જ શ્રેણિ.
૨૩ શ્રી પારસનાથ પ્રભુ! શ્રી નેમિનાથ પ્રભુના આશ્રયે અમારા આત્માએ બોધ ગ્રહણ કરી શ્રેણિ માંડવા માટેની તૈયારી શરૂ કરી છે, એ માટેનો અધિકાર આપવા માટે અમે ખૂબ ભાવથી વંદન કરી, ઋણનો સ્વીકાર કરીએ છીએ. આવી સુંદર તક મળતાં સર્વ ઘાતકર્મોનો ક્ષય કરવા અમારે ઉગ્ર પુરુષાર્થ કરવા મંડી પડવું છે, અને પૂર્ણતાએ તે કર્મોનો ક્ષય કરીને જ જંપવું છે; અને ત્યાં સુધી અમારે એક સમય માટે પણ પુરુષાર્થહીન કે પ્રમાદી થવું નથી. શ્રેણિ પૂર્ણ થતાં આત્માને પારસમણિ જેવો નિર્મળ કરવો છે, ધ્રુવપદમાં અને શાશ્વતપદમાં રમનાર બની તેના ભોક્તા થવું છે. કેવળી સ્વરૂપ પ્રગટાવી આવું ઉત્તમ ધ્યાન મેળવવું છે. તે માટેનો ઉત્તમ સહારો આપનાર તમારો ખૂબ ખૂબ ઉપકાર માની ભક્તિભાવથી અમે વંદન કરીએ છીએ.
અહો જિનેશ્વર દેવ! સર્વજ્ઞપણાના વેદનમાં તમે સર્વ પ્રકારની કામનાઓથી રહિત થયા છો, ઇચ્છા નિરોધ તપસ્વી બન્યા છો, એ ઉપરાંત સર્વજ્ઞપણાની ઉત્તમ સ્થિતિને શાશ્વત કરી, અન્યને પણ એવાજ કામનારહિત થવામાં સહાયકારી થતા રહો છો. જેઓ સ્વછંદ ત્યાગી તમારા શરણમાં આવે છે, તેઓને તમે તમારા જેવા સર્વજ્ઞા બનાવો છો; તમારું આ કાર્ય પારસમણિ કરતાં પણ ઉત્તમ પ્રકારનું છે. પારસમણિનો સ્પર્શ પામી લોઢું સુવર્ણ બને છે, પણ પારસમણિ બનતું નથી, ત્યારે તમારો ઉત્તમ સ્પર્શ પામી જીવ શિવ બની, અન્યને પણ શિવ કરવાની શક્તિ મેળવી લે છે, એટલે કે અન્યને તમે તમારા સમાન બનાવો છો. આ રૂપ મેળવવાની ભાવના અમારામાં ઉત્કૃષ્ટ થતી જાય છે, એટલે કે સર્વજ્ઞપણું મેળવી અન્યને પણ સર્વજ્ઞ કરવાની ભાવના સેવા કરીએ છીએ.