________________
માધ્યમોમાં હિંસા, ક્રૂરતા ને ભૌતિકતાનો મહિમા જોવા મળે છે. આ બધાના પરિણામે માનવીય સંવેદનામાં ઓટ આવે છે. આજે સૌથી વધુ આવશ્યકતા એ માનવીય સંવેદનાની જાગૃતિની છે અને તેથી શિક્ષણમાં સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને ઉમેરીને એક નવો અભિગમ સર્જવાની જરૂર છે. એક એવી દૃષ્ટિ હોય કે જેના કેન્દ્રમાં માનવનું અસ્તિત્વ હોય, માનવકલ્યાણ હોય અને માનવલક્ષી અધ્યાત્મ હોય; આ બધાંને માટે શિક્ષણ સર્વાગી હોવું જરૂરી છે. આપણે ત્યાં મેકોલેએ કારકુનીનું કૌશલ્ય ધરાવે એવા એકાંગી અને સંકુચિત શિક્ષણનો પાયો નાખ્યો. હજી મેકોલે એ સર્જેલા માનવચિત્તના કુંડાળામાંથી શિક્ષણ બહાર નીકળી શક્યું નથી.
જ્ઞાનનો પ્રસાર થાય છે, પણ એનું પ્રજ્ઞામાં રૂપાંતર થતું નથી. વર્તમાન યુગમાં માહિતીની ખડકલા હેઠળ માનવીનું મન જેમ વધુ ને વધુ ભીંસાતું જાય છે, તેમ-તેમ એની સર્જનાત્મકતા અને સંવેદનશીલતા પર કુઠારાઘાત થતો રહે છે અને શિક્ષણ મૂલ્યોથી વધુ ને વધુ વેગળું થઈ રહ્યું છે.
રશિયાનો પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોક રશિયાનાં ગામડાંઓમાં વિજ્ઞાનની સમજ આપવા માટે ઘૂમી રહ્યો હતો. એક ગામમાં યોજાયેલી ગ્રામસભામાં એણે કહ્યું : “આજનો માનવી વિજ્ઞાનની પાંખે હવે આકાશમાં ઊડી શકશે, છેક દરિયાના તળની નીચે ખોજ કરી શકશે. આમ માનવીની વિજ્ઞાનની સિદ્ધિઓ અશક્યને શક્ય કરનારી બની રહેશે.”
આવે સમયે સભામાં બેઠેલા એક અનુભવી વૃદ્ધ પ્રશ્ન કર્યો : “આ વિજ્ઞાન માનવીને આકાશમાં ઊડતા શીખવી શકશે, પાતાળમાં પહોંચતો કરી શકશે, પરંતુ આ ધરતી પર કેમ જીવવું એનું જરૂરી શિક્ષણ આપશે ખરું ?”
અને આજના શિક્ષણ સામે એ જ સવાલ છે. આ શિક્ષણ કૌટુંબિક મૂલ્યોથી દૂર ચાલ્યું ગયું છે. જીવનઘડતર સાથે એને સ્નાનસૂતકનો સંબંધ રહ્યો નથી. એણે પ્રકૃતિ સાથેનો સંવાદ ગુમાવ્યો છે. એની ગતિ ટેકનોલૉજી દ્વારા નવી-નવી ક્ષિતિજો આંબવાની છે, પરંતુ એ ગતિ એના પોતાના જીવનમાં કોઈ યોગદાન આપી શકે છે તેનો સહેજે વિચાર કરવામાં આવતો નથી.
A આદર્શ કેળવણીનું ઉપનિષદ]
ગાંધીજીએ શિક્ષણ સાથે ઉત્પાદક પરિશ્રમનો વિચાર કર્યો, કારણ કે આટલી બધી ગરીબી ધરાવતાં બાળકોને માટે શિક્ષણ અલગ અને કમાણી અલગ એ પોષાઈ શકે એમ નથી. શ્રમ અને સેવાને શિક્ષણ સાથે જોડાવવા જોઈએ.
આવતીકાલની સમાજરચનાનો આધાર આજના શિક્ષણ પર છે. આજે વંચિતો, ગરીબો અને શોષિતોની કેટલી વાત આ શિક્ષણમાં આવે છે ? માનવીય સમાનતાનો કોઈ સૂર એમાં સંભળાય છે ખરો ?
1993માં શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના પ્રારંભમાં અમેરિકામાં સતત ઘટતી જતી રેડ-ઇન્ડિયન જાતિના લોકોએ એક પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું, જેમાં એમની પાસેથી વિના કારણે એમની જમીન છીનવી લેનારાઓ પ્રત્યે આક્રોશ પ્રગટ કર્યો હતો. એ પ્રાર્થનાનો ભાવ એ હતો કે - “અમે તારો શો ગુનો કર્યો છે કે તમે અમારી જમીનનો ભાગ ઝૂંટવી લો છો ! અમારી નાનકડી કોમને અમારી ભૂમિ પરથી હાંકી કાઢો છો ! અમારી આજીવિકાને છીનવી લો છો. આવું શા માટે ? કયા કારણે ? અમારો વાંક-ગુનો તો કહો ?”
એ પ્રાર્થનામાં દબાયેલી, કચડાયેલી, રુંધાયેલી માનવજાતિની ચીસ સંભળાતી હતી.
1998માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ઈશ્વરને કરેલી પ્રાર્થનાને સ્થાન હતું, પરંતુ એ પ્રાર્થના એ પ્રકારની હતી કે - “હે ઈશ્વર ! અમને આ એઇઝની બીમારીથી ઉગારજે કે જેને પરિણામે આફ્રિકા ખંડમાં રોજ સેંકડો લોકો એનો શિકાર બને છે.'
આમ આજે વૈશ્વિક સ્તરે ધર્મનું મુખ મંદિરને બદલે માનવ પ્રત્યે વળ્યું છે, જયારે બીજી બાજુ શિક્ષણ એ માનવવેદનાથી વિમુખ થતું જાય છે. હિંસાના જ્વાળામુખી પર જગત એની ઝૂંપડી બાંધીને રહે છે અને શિક્ષણ દ્વારા એવું રૂઢિચુસ્ત ઝનૂન જગાડવામાં આવે છે કે જેમાં વ્યક્તિને બંદૂકની ગોળીથી નિર્દોષ લોકોને ઠાર મારતા આનંદ આવે છે અને પકડાયેલા વિરોધીઓનો શિરચ્છેદ કરતી વીડિયો પ્રગટ કરીને પોતાની ‘વીરતા' દર્શાવે છે. અહીં ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્મને ઓસમનેના ‘ફિંગર્સ' કાવ્યનું સ્મરણ થાય છે. આદર્શ કેળવણીને ઉપનિષદ
A
૯ ]