________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
“ઠીક હૈ સાંઈ ! જૈસી તુમ્હારી મરજી ! આમિન !” આજ્ઞા મળતા મુનિરાજે ઈમારતના ઈશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી.
મધ્યરાત્રિએ પવન અને કડાકા-ભડાકા વધ્યા. ભયંકર આ બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઈમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિયશક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું.
“કોણ છે,મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ ? અહીં મારા ધામમાં સુ૨ની શક્તિ સામે કોણે કપૂત આવ્યો છે ?’’ પીરે પ્રચંડ ગર્જના કરી.
“અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો ? આ ઈમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરુદ્ધ કોઈ ન રહી શકે.”
શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો ? આવી ઘોર વિડંબનાનો શો હેતુ ?”
“ઓ મગતરા જેવા માનવી ! આ ભવ્ય ઈમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઊપજે છે.” પીરે અટ્ટહાસ્ય કર્યું.
“તો હે દિવ્ય આત્મા, આપ હવે શું ઇચ્છો છો ?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા !’
“કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના-મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય તેથી હું બહાર એક વૃક્ષ નીચે (૧૦૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ હે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઈંટ, માટી, ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે ? શું આ મકાન કરતાં આપના દેવભવનો ઓછા સારા છે ? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો. આ ક્રૂરતા – હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ-દશાનું નિર્માણ કરશે.” પ્રશમરસમાં વહેતા મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ
વધ્યો.
“હે પવિત્ર આત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો. શાંતિ, સમાધિ, સમતા ધરી લો.’
મુનિવરની મીઠી, માર્મિક મધુર છતાં નીભિક અને ભાષાસમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાયતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજસ્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમય ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતા બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો .....
અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતનમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા.
જનસમૂહને ખબર પડતા માનવમેદની યક્ષાયતનમાં એકઠી થઈ. મુનિધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી.
(૧૦૪)