________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) રાજચંદ્રજીએ આપેલા વિચારબીજ પોતીકી રીતે હોરે છે, આમ છતાં ગાંધીજીના જીવનને વળાંક આપનારી કેટલીક મહત્ત્વની ઘટનાઓમાં શ્રીમદ્ રાજચંદ્ર નિમિત્ત બન્યા છે.
મહાત્મા ગાંધીજી વિલાયત જઈને બેરિસ્ટર થઈને પાછા આવે છે. બેરિસ્ટરના લિબાસમાં રહેલું એમ.કે. ગાંધીનું ચિત્ર આજેય આપણી નજરમાં ઊભરી આવે છે. એવા બેરિસ્ટર એમ. કે. ગાંધી ઈ.સ. ૧૮૯૧ ની ૫ મી જુલાઈએ હિંદુસ્તાન પાછા આવે છે.
આ સમયે મુંબઈમાં શ્રીમના અંગત સગા અને એમની પેઢીના ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવન મહેતાના ભાઈ ડૉ. પ્રાણજીવન મહેતાના ઘરે બેરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જ દિવસે મુંબઈ આવ્યા હતા. અહીં મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રથમ પરિચય થાય છે, જે પરિચય શ્રીમના દેહવિલય પર્યત ચાલુ રહે છે. ગાંધીજી વિલાયત હતા તે ગાળામાં ગાંધીજીની માતા પૂતળીબાઈનું મૃત્યુ થયું હતું. ગાંધીજીને એમની માતા પર અત્યંત પ્રેમ હતો. વિલાયતમાં બેરિસ્ટર થઈને મિસ્ટર એમ. કે. ગાંધી ભારત ઊતર્યા ત્યારે માતાના દર્શન માટે ખૂબ આતુર હતા. ગાંધીજીના મોટા ભાઈએ વિદેશમાં આવો આઘાત ગાંધીજી જીરવી શકશે નહીં, તેમ માનીને માતાના અવસાનના સમાચાર જણાવ્યા નહોતા. ગાંધીજીએ માતાના અવસાનના સમાચાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યા. આઘાતજનક સમાચાર કોઈ વડીલ કે મહત્ત્વની વ્યક્તિ આપે, તેવો રિવાજ. આથી આ કામ શ્રીમદ્ રાજચંદ્રને સોંપવામાં આવ્યું.
ગાંધીજી કરતાં શ્રીમદ્ રાજચંદ્ર પોણા બે વર્ષ મોટા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ કહ્યું ત્યારે ગાંધીજી નોંધે છે કે, “પિતાના મૃત્યુથી જે આઘાત
(૧૩)
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) નહોતો પહોંચ્યો તેના કરતાં ઘણો મોટો આઘાત માતાના મૃત્યુના સમાચારથી થયો.”
એ સમયે શ્રીમદ્ રાજચંદ્રની શતાવધાની તરીકેની ખ્યાતિ હતી. ઈ.સ. ૧૮૮૭ની ૨૨ મી જાન્યુઆરીએ સાંજના ૧૯ વર્ષની ઉંમરના શ્રીમદ્ રાજચંદ્રએ મુંબઈની ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં શતાવધાનના પ્રયોગો કરીને પોતાની અદ્દભુત શક્તિનો પરિચય કરાવ્યો.
શ્રીમદ્ રાજચંદ્રજીને જોતાં જ ગાંધીજીને એવી પહેલી છાપ એ પડી કે તેઓ ચારિત્રવાન અને જ્ઞાની પુરુષ છે. ડૉ. પ્રાણજીવન મહેતાએ શ્રીમના શતાવધાનીપણાની વાત કરીને એ જોવા માટે કહ્યું. ગાંધીજી બેરિસ્ટર થયેલા અને શ્રીમદ્જી તો વવાણિયાની ગામઠી સ્કૂલમાં માત્ર સાત ધોરણ સુધી ભણેલા. અંગ્રેજીનું તો કોઈ જ્ઞાન નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર જે શતાવધાન કરતાં તેમાં જે ક્રમમાં શબ્દો પુછાય તે બધા યાદ રાખીને એ જ ક્રમમાં બોલી જતા. વળી મનમાં સરવાળા-બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીને ઉત્તર આપતા, કાવ્યરૂપે પુછાયેલી સમસ્યાઓ પૂર્ણ કરી આપતા. અમુક વિષયમાં કાવ્યરચના કરવાનું કહ્યું હોય તો તે પ્રમાણે કાવ્યવૃત્તિમાં રચી આપતા. ગ્રીક, અરબી, લેટિન, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મસહિત, અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજા કામો પણ કર્યા જવા - જેમકે ત્રણ વ્યક્તિ સાથે ચોપાટ, ગંજીફા અથવા શેતરંજ રમવી - આવી બાબતોનો શતાવધાનમાં સમાવેશ થતો હતો. બેરિસ્ટર ગાંધીજીએ શ્રીમદ્ કદી જેનો અભ્યાસ ન કર્યો હોય તેવા શબ્દો લખ્યા. ગાંધીજી કહે છે કે એમણે પોતાના “ભાષાના જ્ઞાનને ખાલી કર્યું.”
(૧૪)