________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) માટે સમર્પિત કરી દીધું એમ કહી શકાય. “જૈન તત્ત્વસાર' નામનું સૌથી પહેલું પુસ્તક તેમણે લખ્યું. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક જૈન ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન કર્યું. જૈનધર્મના અભ્યાસ માટે સંસ્થાઓ સ્થાપી. જૈન સાહિત્ય સંશોધક પત્રિકાની પણ શરૂઆત કરી. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપુ નીચોવીને તેમણે પોતાનું જીવન જૈન સાહિત્યના સંશોધન માટે સમર્પિત કરી દીધું.
પૂ. મહાત્મા ગાંધીજીના પિતા પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાયના વણિક હતા, પરંતુ તેમની સાથે વાર્તાલાપ કરવા જૈન સાધુઓ હંમેશાં આવતા. આ વાર્તાલાપ ગાંધીજી સાંભળતા તેની અસર ગાંધીજી પર બાળપણથી પડી હતી. જયારે ગાંધીજી બેરિસ્ટર થવા માટે બ્રિટન ભણવા જવાના હતા ત્યારે તેમના ઘેર વહોરવા આવતા જૈન સાધુ બેચરજી સ્વામીએ ગાંધીજીના માતાની મુંઝવણ ધ્યાનમાં લઈને ગાંધીજીને માંસ, મદિરા અને પરસ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રતિજ્ઞાને કારણે ગાંધીજીનું જીવન બરબાદ થતાં રહી ગયું. ગાંધીજી પોતાની પ્રતિજ્ઞાને બરાબર વળગી રહ્યા હતા. બ્રિટનથી બેરિસ્ટર થઈને ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈમાં તેમની મુલાકાત શ્રીમદ્ રાજચંદ્ર (રાયચંદભાઈ) સાથે થઈ. તે મુલાકાત અને તે પછીના શ્રીમદ્ સાથેના પરિચયને કારણે ભગવાન મહાવીરની તત્ત્વધારા ગાંધીજીને મળી. ભગવાન મહાવીરે પ્રરૂપેલા પાંચ મહાવ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ગાંધીજીએ અપનાવ્યા હતા. આ વ્રતોની ભાવનાઓને વિશ્વના ફલક પર મૂકીને ગાંધીજીએ કાર્યો કર્યા. તે સિવાય પણ અનેકાન્તવાદ, ક્ષમા, અભય, શાકાહાર, વૃત્તિસંક્ષેપ, રાત્રિભોજન ત્યાગ જેવી જૈનધર્મની અત્યંત મહત્ત્વની ભાવનાઓ ગાંધીજીના જીવનમાં આચરણરૂપે પ્રગટ થઈ છે.
(63)
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આથી કહી શકાય કે, શ્રી જિનવિજયજી અને પૂ. મહાત્મા ગાંધીજી જન્મ જૈન ન હોવા છતાં સવાયા જૈન બનીને બંનેએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે. બંને મહાનુભાવોનું રાષ્ટ્રસેવા માટે સમર્પણ
મુનિ શ્રી જિનવિજયજી પૂનાની ‘ભંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર નામની સંસ્થાના નિમંત્રણને માન આપી મુંબઈથી પૂના પહોંચ્યા ત્યારે શ્રી જિનવિજયજી સાધુ અવસ્થામાં હતા. ભંડારકર ઈન્સ્ટિટયૂટસના કાર્યમાં સહકાર આપવા તેમણે ૧૯૭૫ નું ચાતુર્માસ પૂનામાં જ કર્યું. અહીં કોઈ કોઈ વાર મુનિશ્રી સાથે શાસ્ત્રીયચર્ચા માટે આવતા પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટીલક અને બીજા વિદ્વાનો સાથે તેમનો નિકટનો પરિચય થયો. પૂનામાં ‘સર્વેસ ઓફ ઈન્ડિયા સોસાયટી' ના કાર્યાલયમાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. તેમણે પોતાના જીવન અંગે ગાંધીજી સાથે વિચાર વિમર્શ કર્યો. ગાંધીજી, લોકમાન્ય ટીળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી અર્જુનલાલ શેઠી સાથેના પરિચયને કારણે તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. દેશની પરાધીનતા તેમને ખટકવા લગી. ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય બેસી રહેવા કરતાં તેમણે પોતાની સાધુ અવસ્થાનો ત્યાગ કરવાનું નક્કી કર્યું અને પોતાનો નિશ્ચય વર્તમાનપત્રોમાં જાહેર કર્યો અને સાધુ અવસ્થાનો ત્યાગ કરીને પૂ. ગાંધીજીએ જાહેર કરેલ અસહયોગ આંદોલનમાં ભાગ લેવા ગાંધીજી પાસે પૂનાથી મુંબઈ પહોંચ્યા. ત્યાંથી ગાંધીજી સાથે જ અમદાવાદ આવ્યા. ગાંધીજી સાથે સત્યાગ્રહ આશ્રમમાં રહીને વિચાર-વિનિમય કરતાં એવું નક્કી થયું કે, ગાંધીજી દ્વારા સ્થપાયેલ સંસ્થા ‘ગુજરાત વિદ્યાપીઠ' માં એક રાષ્ટ્રીય સેવક તરીકે મુનિશ્રી સહયોગ આપતા રહેશે.
(૦૪).