________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વસુ નામના શ્રીમંત શ્રેષ્ઠી રહેતા હતા. તેમના વસુસાર અને વસુદેવ નામના બે વિનયી પુત્રો હતા. એકવાર તેમને જંગલમાં જતાં સુંદરસૂરિ નામના જ્ઞાની મહાત્માનો ભેટો થયો. તેમની દેશના શ્રવણ કરી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. વસુદેવ મુનિ મેઘાવી હતા. તેઓ અલ્પકાળમાં આગમ વિશારદ બન્યા. તેમની તત્ત્વમીમાંસા સાંભળી શ્રોતાઓ મુગ્ધ થતા. તેઓ પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરતા. તેઓ નિત્ય પાંચસો સાધુઓને વાચના આપતા તેથી તેમને આચાર્યની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
એકવાર રાત્રિના સમયે આચાર્ય વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સાધુઓ આગમનો અર્થ પૂછવા આવ્યા. એમના ગયા પછી અનુયોગની શંકા લઈ બીજા-ત્રીજા શિષ્યગણ હાજર થયા. તેમની શંકાનું સમાધાન થયું ત્યાં મિથ્યાવાદી વાદ કરવા આવ્યા. આ સર્વ આટોપતાં રાત્રિ પસાર થઈ ગઈ. થાકી ગયેલા આચાર્ય મનોમન ધૂંધવાયા. ‘મેં વિપુલ જ્ઞાનાર્જન કરી નાહકની ઉપાધિ વહોરી છે, જ્યારે મોટા વસુસાર મુનિ કેવું આરામનું જીવન જીવે છે ! આ જ્ઞાને મારી ઊંઘ હરામ કરી છે.’ મેઘમુનિને પગના પરિષહે હંફાવ્યો તેમ વસુદેવસૂરિને જ્ઞાનના પરિષહે હંફાવ્યા. જ્ઞાનનું જાગરણ તેમને માટે ઉજાગરો બની ગયો. તેમણે જ્ઞાનની ખટપટમાં ન પડવા સાત પ્રતિજ્ઞાઓ લીધી. ‘(૧) હવેથી શિષ્યોને ભણાવીશ નહીં (૨) કોઈના પ્રશ્નોના ઉત્તર નહીં આપું (૩) કોઈની સાથે પ્રતિવાદ નહીં કરું (૪), (૫) જ્ઞાન કે જ્ઞાનીની સ્તુતિ કે બુહમાન નહીં કરું (૬) શીખેલા જ્ઞાનની પરિયટ્ટણા નહીં કરું. (૭) ધર્મદેશના નહીં આપું.'
આવો દૃઢ નિર્ણય કરી આચાર્યે બાર દિવસનું મૌન સ્વીકાર્યું. તેઓ આલોચના કર્યા વિના જ મૃત્યુ પામી માનસરોવરમાં હંસ તરીકે અવતર્યા.
૧૬૮
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ત્યાંથી ચ્યવી વરદત્તકુમાર થયા. ઢાળ - ૧૧ મલ્હાર રાગમાં, યમક અલંકારમાં કવિશ્રીએ આચાર્યની અંતરમનો વ્યથાનો છટપટાહટ પ્રગટ કરવાનો અભિગમ કેળવ્યો છે, જેમાં તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા છે.
ઢાળ : ૧૨ તપનું માહાત્મ્ય (ક્ર. ૩ થી ૬) ધબકી રહ્યું છે, જે ઉપાસકના હૃદયને ઢંઢોળી તપમાં જોડે છે. તપથી રોગ નષ્ટ થાય, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, કાયા સ્વરૂપવાન બને છે. વિકારો શમી જાય છે, આધિ-વ્યાધિ-ઉપાધિ ઉપશાંત થાય છે, શાતાવેદનીય કર્મ બંધાય છે, અશુભ કર્મો નષ્ટ થાય છે.
ઢાળ : ૧૩ જ્ઞાનપંચમીની સમ્યક્ આરાધના કરી શ્રીપાળ રાજાની જેમ વરદત્તકુમાર દેવકુમાર જેવો સ્વરૂપવાન થયો. તેના ચંપાવતીના રાજા ભીમસેનની સો પુત્રીઓ સાથે વિવાહ થયા.
ઢાળ : ૧૪ પ્રસંગોપાત કવિરાજ વિવાહપદ્ધતિનું બેનમૂન વર્ણન કરે છે. અહીં નૂતન અને ધ્યાન ખેંચે એવી ઉત્પ્રેક્ષા અલંકારની જોગવાઈ પણ થઈ છે; જેમાં કવિશ્રી જૈન ખગોળજ્ઞાનની વાટ પકડે છે. કવિશ્રી સૂર્ય-ચંદ્ર પ્રાપ્તિ જેવા આગમગ્રંથોનો સ્પર્શ કરે છે.
પરગટ મેરુ ગિરી ન ઈ પાખતી, જાણે નક્ષત્રમાલ' (ક્ર. ૯) સો કન્યાઓ સાથે લગ્ન મંડપમાં ફેરા ફરતા વરદત્તકુમારમાં મેરુપર્વતનું આરોપણ થયું છે. મેરુપર્વતની આસપાસ નક્ષત્રો, ગ્રહો ફરે છે, તેમ વરદત્તકુમારની આસપાસ સો કન્યાઓ વિધિમંડપમાં ફેરા ફરતી હતી.
શરણાઈ, મૃદંગ, લગ્નગીતો, હથલવો, પાલખી, હવનકુંડ, પહેરામણી, ચાર મંગળ ફેરા આદિ લગ્નવિધિનું વૈવિધ્યપૂર્ણ તળપદી વર્ણન રચનાકારે સાધુકવિ હોવા છતાં આબેહૂબ કર્યું છે, જેમાં આપણી સંસ્કૃતિ, પરંપરા અને પવિત્રતાનો અભિપ્રેત ઝળકે છે. સાંપ્રતકાળે લગ્ન પ્રસંગે દાન * ૧૬૯