________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વિષ્ણુકુમાર મુનિ તપ, ધ્યાન આદિ દ્વારા આત્મસાધનામાં લીન થયા. કર્મોનો ક્ષય કરતાં કરતાં વિષ્ણુકુમાર મુનિને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ. તે લબ્ધિસંપન્ન એવા મુનિ આત્મસાધના માટે મેરુ પર્વત પર ચાતુર્માસ માટે રહ્યા. તે વખતે સુવ્રતાચાર્ય ચાતુર્માસ માટે હસ્તિનાપુર હતા. મંત્રી નમૂચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડતા ભૂતકાળમાં ઉજ્જૈનીમાં થયેલો વાદનો પ્રસંગ તાજો થયો. સુવ્રતાચાર્ય પરનું વેર તાજું થયું અને બદલો લેવાની તીવ્ર ઇચ્છા થઈ, પરંતુ રાજા જૈન ધર્મ અને જૈન મુનિઓના ઉપાસક હતા. તેથી વિચારતા એમને ઉપાય સૂઝ્યો. રાજા પાસે રાખેલું પોતાનું વરદાન એણે માગ્યું. ‘સાત દિવસ માટે તમારું રાજ્ય મને આપો.' રાજા વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. રાજા બનતા નમૂચિએ સુવ્રતાચાર્યને બોલાવીને સાત દિવસની અંદર સર્વ જૈનમુનિઓને રાજ્યમાંથી જવાનો આદેશ આપ્યો. સુવ્રતાચાર્યે નમૂચિને ચાતુર્માસ હોવાથી જૈન મુનિઓનો વિહાર ન કરાવાનો આચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્વેષથી ભરેલો નમૂચિ સમજ્યો નહિ. જૈન મુનિઓ અને જૈનશાસન પર આવેલી આ આફતનું નિવારણ કરવા સુવ્રતાચાર્યે આકાશગામિની વિદ્યાધારી એવા એક મુનિને મેરુ પર્વત પર ચાતુર્માસ કરી રહેલ એવા અનેક લબ્ધિસંપન્ન વિષ્ણુકુમાર મુનિને બોલાવવા મોકલ્યા. હકીકત જાણતા વિષ્ણુકુમાર મુનિ હસ્તિનાપુર આવ્યા અને નમૂચિને ચાતુર્માસ સુધી મુનિઓને રહેવા દેવા માટે કહ્યું, પરંતુ દ્વેષભાવથી ભરેલા એવો નમૂચિ પોતાના વચન પર અડગ રહ્યો અને હવે બાકી રહેલા પાંચ દિવસમાં સર્વ મુનિઓને રાજ્ય છોડી દેવાનું કહ્યું. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું, “તમારું રાજ્ય તો સંપૂર્ણ ભરતમાં છે અને મુનિઓ ભરતક્ષેત્રની બહાર જઈ શકતા નથી. તેથી બધા મુનિઓને રહેવા માત્ર ત્રણ ડગલા જેટલી ભૂમિ
* ૧૨૬
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
આપો.” નમૂચિએ કહ્યું, “ત્રણ ડગલા જેટલી ભૂમિ આપું છું, પણ તે ત્રણ ડગલાની બહાર જો કોઈ મુનિ હશે તો એને હું મારી નાખીશ.’’ એટલે અત્યંત ક્રોધાયમાન થયેલા એવા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિથી મેળવેલી વૈક્રિય લબ્ધિથી એક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવ્યું અને જંબુદ્વીપના બંને છેડાએ બે પગ મૂકી પૃથ્વીને રોકી લીધી અને ત્રીજું પગલું નમૂચિ પર મૂકી એને કીડાની જેમ દબાવ્યો. વિષ્ણુમુનિનો આ ક્રોધ જોઈ સુવ્રતાચાર્યે પોતાની અમૃત સરખી વાણીથી એમનો ક્રોધ શાંત કર્યો. વિષ્ણુકુમાર મુનિ પોતાનું વૈક્રિય સ્વરૂપ સંકેલી મૂળ શરીર ધારણ કર્યું. આવા જિનશાસન અને જૈન સાધુઓની અવહેલના કરનારા નમૂચિને રાજ્ય સોંપવા બદલ રાજાને ઠપકો આપ્યો અને પોતે ગુરુ પાસે પોતાના આ વૈક્રિય શરીર અને ક્રોધની આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા. આ પ્રમાણે તપ દ્વારા પ્રાપ્ત થયેલ લબ્ધિ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે એ તપસ્વી પ્રભાવક કહેવાય છે.
૨)
કવિ પ્રભાવક - જૈન દર્શનમાં પદાર્થનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપે જે રીતે કહ્યું છે તે જ રીતે યથાર્થપણે ગદ્ય-પદ્ય રૂપે રચે, અર્થગૌરવ અને શબ્દ લાલિત્યથી મનોહર હોય, રાજા-પ્રજા આદિ જેનાથી પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી કૃતિઓ કદાગ્રહ કે મમત્વભાવ વિના જે રચે અને જૈન શાસનનો પ્રભાવ વધારે તે કવિ પ્રભાવક કહેવાય છે. અહીં સિદ્ધસેન દિવાકરસૂરિની કથા છે.
શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં કંદિલાચાર્યના મુકુંદ મુનિ નામે શિષ્ય હતા. એમણે એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. દેવીએ સર્વ વિદ્યાઓમાં પારગામી થવાનું વરદાન આપ્યું. તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા વાદીઓને વાદમાં જીતતા સર્વ વાદીઓમાં વાદીરાજ થયા અને તેઓ ‘વૃદ્ધવાદી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
* ૧૨૦ *