________________
ધર્મ - જીવનનો ધબકાર
અર્પણ સર્વધર્મ સમભાવ અને સમન્વય દ્વારા, સર્વધર્મ ઉપાસનાના પુરસ્કર્તા મહાત્મા ગાંધીજી,
સંત વિનોબાજી તથા પૂજય મુનિશ્રી સંતબાલજીના પાવન સ્મરણ સાથે વિનમ્ર ભાવે...
માનવજીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ ગયેલ છે. ધર્મ જીવનનો ધબકાર છે. વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે કે જયાં એક અથવા બીજા પ્રકારના ધર્મનું પાલન ન થતું હોય. ધર્મ વિનાના માનવજીવનની કલ્પના શક્ય નથી.
જગતના વિદ્યમાન ધર્મોનો આછો પરિચય મળી રહે તો અન્ય ધર્મપરંપરાના અનુયાયીઓ, અન્ય ધર્મની પ્રવૃત્તિ વિશે સામાન્ય જ્ઞાન મળે, આવું જ્ઞાન અન્ય ધર્મ પરત્વે બાંધી લીધેલી મિથ્યા માન્યતા કે પૂર્વગ્રહ દૂર કરવામાં જરૂર ઉપયોગી બને.
વિવિધ ધર્મો પ્રત્યેનું અજ્ઞાન ધર્મઝનૂન ઉત્પન્ન થવાનાં કારણોમાંનું એક અગત્યનું કારણ છે. વિવિધ ધર્મોનો પરિચય-જાણકારી હોય તો એક ધર્મના માનનારાઓનું બીજા ધર્મીઓ પ્રત્યેનું ઝનૂન કે વૈમનસ્ય ઘટે.
સર્વધર્મનો પરિચય સર્વધર્મ સમભાવ કે સર્વધર્મ સમન્વયના માર્ગે ચાલવા સરળતા કરી આપશે એવી આશાથી ‘સર્વધર્મ દર્શન'ના લેખનપ્રકાશન કાર્યનો પુરુષાર્થ કર્યો છે.
સત્ય, ક્ષમા, સદાચાર અને અનુકંપા જેવા ગુણો દરેક ધર્મમાં સમાનપણે જોવા મળે છે. આ માનવીય ઉત્તમ ગુણોનું સંવર્ધન ધર્મરૂપી બગીચામાં થાય છે. વિવિધ ફીરકાઓ, ધર્મપરંપરાઓ અને સંપ્રદાયો આ બાગનાં વિવિધ ફૂલો છે. સંપ્રદાયો વ્યવસ્થા માટે છે. વસ્તુતઃ ધર્મતત્ત્વો એક જ છે. “સર્વધર્મ દર્શન' દ્વારા ધર્મપરિચય થશે તો આ પરિચય, વિવેકબુદ્ધિથી ધર્મનું અર્થઘટન કરવામાં ઉપયોગી થશે.
સામાન્ય રીતે જગતના વિવિધ ધર્મદર્શનોનો અભ્યાસ કરતાં જણાશે કે કોઈ પણ એક ધર્મ બીજા ધર્મને હીણો ગણતો નથી છતાંય સર્વધર્મ સમભાવની ભારતીય દર્શનોની ભાવનાએ એની ઉદારતાનો