________________
Jivan SandhyaA (Recurrection) 15-3-2016
જ્ઞાન અને વૈરાગ્યની મૈત્રી
જીવનપ્રવાહમાં આપણે, પત્ની, પુત્રાદિસંતાન, મિત્રો, સ્નેહીવર્ગ અને સંપત્તિ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એક પળ એવી આવે છે કે સ્નેહ અને સંપત્તિના એ સામ્રાજ્યને આપણે એક ક્ષણે છોડીને ચાલ્યા જવાનું હોય છે.
શું ક્ષણમાત્રમાં આ બધું છોડીને ચાલ્યા જવાનું ? શું મત્યુ અચાનક જ આવશે ?
આ દુઃખદ ઘટનાનો શોક કોને ? આપણને તો નથી હોતો. પાછળ રહેલા સ્વજનોને આ આકસ્મિક ઘટનાનો શોક પચાવવો ઘણો મુશ્કેલ થાય છે.
કારણ ?
કારણ કે, મૃત્યુને આપણે અચાનક - આકસ્મિક ગણીએ છીએ ? ખરેખર એવું નથી. જન્મની પહેલી પળથી જ મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. ક્યારે આવશે તે ખબર નથી, પરંતુ આવશે તે નિશ્ચિત છે.
એક રીતે વિચારીએ તો જન્મ પછી માના ખોળામાં મૂકાતા પહેલાં જ
આપણે મૃત્યુના ખોળામાં મુકાઈ જતાં હોઈએ છીએ.
પરંતુ આપણે મૃત્યુ વિશે વિચાર કરતાં નથી. કદાચ પ્રછના ભયને કારણે મૃત્યુ આપણે માટે અણગમતો વિષય હોઈ શકે.
મૃત્યુ શબ્દ સાથે ગંભીરતા, શોક, ભય, અમંગળ કે ઉદાસી સહજ રીતે જોડાઈ જાય છે.
જ્ઞાનીઓ મૃત્યુનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે છે, પરંતુ હજુ તે આપણી સમજમાં આવતી નથી.
- એક વ્યક્તિ બીમાર પડે છે. બીમારી થોડા દિવસ ચાલે છે. બીમારને શાતા, સાંત્વના, શાંતિ માટે ધર્મ સંભળાવવામાં આવે છે. સમાધિમરણના પાઠ સંભળાવવામાં આવે છે. એટલામાં કોઈ સમાજની શ્રેષ્ઠીવર્ય વ્યક્તિ કે સ્વજન આવી જાય છે તે સ્તબ્ધ બની જાય છે અને કહે છે, લે ભાઈ! ઘડીકમાં શું થઈ ગયું ! ગયા અઠવાડિયે તો મને મીટિંગમાં મળ્યા ત્યારે સાજાસારા હતા, હું તો અમસ્તો... મળવા આવ્યો તો... તો અહીં તો સમાધિમરણના પાઠ ... શું અંતિમ આરાધના કરાવો છો ?
એટલું બધું શું થઈ ગયું ?
આમ સામાન્ય રીતે આપણે ત્યાં ધર્મ-આરાધના કે સમાધિમરણના પાઠને ગંભીર રીતે એક અલગ રીતે જ જોવામાં આવે છે.
આપણે જીવનની આવી પળોને સમજ્યા નથી. આ ગેરસમજણ આપણને કુમરણ તરફ લઈ જાય છે.
જ્ઞાનીઓ કહે છે કે મૃત્યુનું સ્મરણ તો પ્રત્યેક પળે જીવ માટે કલ્યાણકારક છે.
જીવનમાં ઘણા મહોત્સવ આવે છે. જન્મોત્સવ, નૂતનગૃહપ્રવેશ: ઉત્સવ, લગ્નોત્સવ, જીવનના પચાસમાં વર્ષે સુવર્ણજયંતી ઉત્સવ,