________________
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500
-થકી મધુ રીહા મહીં મુજ ઊઘડે નયન,
સીમિત અસીમ કેરો નવીન વિભવ
પરિણય;
પૂર્ણ, ફરી પૂર્ણ પણ ભિન્ન અનુભવ.”
ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન અને કલા એ ત્રણે પરસ્પર સંકળાયેલી સહગામી અને સહોદર પ્રવૃત્તિઓ લેખવામાં આવે છે. કવિતા, સંગીત, શિલ્પ, નૃત્ય વગેરે માટે ધર્મ વ્યાપક અર્થમાં, અધ્યાત્મ, પરસ્પર પ્રેરણારૂપ બની રહેતાં, એટલે જ કદાચ આ કવિના મૂળમાં ઉપનિષદ પરંપરાનું દર્શન પણ સાંપડે છે. રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં આધ્યાત્મ સહજ રીતે વણાયેલું છે. તેઓ એક રહસ્યમયતાના માર્ગના કવિ-યાત્રી છે.
તેમની શબ્દાતીત તીવ્ર આ અનુભૂતિ અનેક કાવ્યોમાં અભિવ્યક્ત થાય છે. એમનાં આવાં કાવ્યોમાં ત્રણ પ્રકારના સૂક્ષ્મ આધ્યાત્મિક સ્તરોનું સંયોજન હોય છે. એક સ્તર આધ્યાત્મિક વાસ્તવ (spiritual reality)નો હોય છે. બીજો સ્તર બુદ્ધિના પાસવાળી અંતઃસ્ફુરણાવાળો (intuitive intellect) હોય છે. જ્યારે ત્રીજા સ્તરમાં કવિની અંતઃસ્ફુરણામાંથી પ્રગટતું ક્રાંતદર્શન (intuitive vision) હોય છે. આ કારણે એમનાં કાવ્યોમાં ઘણી વાર અનન્ય કાવ્યશક્તિ પ્રગટતી હોય છે. ‘સ્મરણ’ નામના એક કાવ્યની પંક્તિઓમાં આ ઉઘાડ માણવા જેવો છે :
“આદિના બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા
સઘળા ઘેઘૂર સૂર, પંચરંગ પૂર
નયને નયન
પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ
એક,
ગજનું અવર ત્યહીં વિલોપન છેક
નહીં દેશ, નહીં કાલ
હૃદયને એકમાત્ર તાલ
અનાહત છંદ...
ત્યહાં પ્રશાંત આનંદ !
સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવર્ણ !
કમલની શતશત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ”.
૧૧૩
આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન
C
શબ્દ દ્વારા ‘તેજનાં ઝરણ' દર્શાવતા આ કવિ ગુજરાતી ભાષાના એક અનન્ય કવિ છે. એકવાર એક મિત્રે તેમનાં કેટલાંક ગીત ગાવાની સંમતિ માગી ત્યારે તેમનો જે જવાબ હતો તે તેમનો જીવનઅભિગમ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, ‘મારું ક્યાં કશું છે, તે પરવાનગી માગો છે ? મેં ક્યાં કંઈ જાતે લખ્યું છે ? આ નજર સામે આવ્યું તે મેં ઉતારી લીધું છે. મારાં કાવ્યો સૌ કોઈનાં છે, તે માટે કોઈએ મારી પરવાનગી લેવાની ના હોય.' આ વાત પણ એક કવિના આધ્યાત્મિક દર્શનથી વિશેષ શું હોઈ શકે ?
(અમદાવાદસ્થિત રાજેન્દ્રભાઈ કવિ, લેખક અને વાર્તાકાર છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ છે).
૧૧૪