________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
બ્રહ્માને સૃષ્ટિકર્તા માનવામાં આવે છે. સૃષ્ટિરચના માટે એમણે પ્રજાપતિનું નિર્માણ કર્યું. પુરાણો અનુસાર બ્રહ્માના ચાર મુખથી ચાર વેદોનું નિર્માણ થયું અને એમણે પુરાણોનું પ્રવચન આપ્યું. એમ બ્રહ્મા એ નિર્માતા છે, તો ગુરુ પણ શિષ્યના નિર્માતા છે.
ધર્મશાસ્ત્રોનો ગહનતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ઉપનિષદોમાં બ્રહ્માને ‘તત્ત્વજ્ઞ આચાર્ય' કહ્યા છે. આ રીતે ગુરુ પણ પોતાના શિષ્યનું નિર્માણ કરે છે. આ નિર્માણ કરતી વખતે એ પથ્થરમાંથી કોઈ શિલ્પ ઘડે, એ રીતે શિષ્યના વ્યક્તિત્વ પર, વિચારો પર, એન જ્ઞાન દર્શન ને ચારિત્ર્ય પર ટાણાંથી સૂક્ષ્મ કોતરણી કંડારતા હોય છે. એ શિષ્યને જગાડે છે. આનું કારણ એ કે સામાન્ય રીતે માનવી મોહસ્વપ્નની ઘોર નિદ્રામાં સૂતેલો હોય છે અને સતત પોતાના અહંકારને પોષવા માટે પ્રયત્નશીલ હોય છે. એની પાસે સહેજે નિરાંત હોતી નથી, પગ વાળીને બેસવાની ઈચ્છા એ સતત રાખે છે, પણ શક્ય બનતી નથી.
ચિત્તમાં વિચારે છે કે આટલું પ્રાપ્ત કરીને નિવૃત્તિ લઈ લઈશ, પરંતુ પ્રાપ્તિની એષણાનું ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. સમય જતાં એને ખ્યાલ આવે છે કે તૃષ્ણા તો અનંત છે. ધન, પદ કે સત્તાની ભીખ જીવનભર માગતો રહીશ, તો એને ક્યારેય અંત નહીં આવે.
સ્વપ્નમાં સહુ સમાન હોય છે. સ્વપ્નમાં તદ્દન નિર્ધન, નિરક્ષર અને જીવનલક્ષ્ય વિહોણી વ્યક્તિ લાખો ગરીબોને દાન આપતો હોય, ભૂખ્યાઓને અન્ન આપતો હોય, મૂંઝાયેલાઓને માર્ગદર્શન આપતો હોય છે, પણ તે બધું સ્વપ્નમાં. સ્વપ્નમાં એ
મહાઘાતકી બની શકે અને અતિ પવિત્ર પણ થઈ શકે. પરમ દાનેશ્વરી રાજા કર્ણ કે અતિ કંજૂસ મમ્મણ શેઠ પણ બને છે, પરંતુ આનો અર્થ શો? સ્વપ્ન પૂરું થતાં જ બધું પૂર્ણ થઈ જાય છે.
આવી સ્વપ્નની લીલામાં ડૂબેલો માનવી જ્યારે જાગૃત બનીને દાન આપે, અન્નદાન કરે કે મૂંઝાયેલાઓને માર્ગદર્શન આપે, ત્યારે જ એ સાર્થક ગણાય. શિષ્યનું નિર્માણ કરતી વખતે ગુરુ પહેલું કામ વ્યક્તિને ઘોર સ્વપ્નનિદ્રામાંથી ઊઠાડવાનું કરે છે. પ્રગાઢ સ્વપ્નનિદ્રામાં પોતાને સૌથી વધુ ધનવાન માનતો ગરીબ માણસ જ્યારે જાગે છે, ત્યારે શું થાય છે? એ જ્યાં સુધી સ્વપ્નાવસ્થામાં હશે, ત્યાં સુધી તો પોતાની જાતને જગતનો સૌથી ધનવાન માનતો હશે, પરંતુ એમાંથી ગુરુ જગાડે છે, ત્યારે એનું જગત બદલાઈ જાય છે.
૧૧
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
ઊંઘમાંથી એકાએક સફાળા થઈને વ્યક્તિ જાગે, ત્યારે એ એકદમ પલંગમાંથી ઊભી થઈ જાય છે. આંખો ચોળવા લાગે છે, હાથ ઉછાળવા લાગે છે અને એ રીતે એનું સ્વપ્ન તૂટે છે. આમ ગુરુ એનું નિર્માણ કરતી વખતે પહેલું કામ એને મોહની ઘોર નિદ્રામાંથી જગાડવાનું કરે છે અને એ રીતે એને ‘જીવનું ભિખારીપણું’ દર્શાવે ચે. જાગૃત ગુરુ શિષ્યને જાગ્રત કરે છે એને અહંકારનું મિથ્યાજગત છોડીને બહાર લાવે છે. અહંકારમાં ડૂબેલો માણસ જે વૃત્તિ ધરાવતો હોય, એવું જ એને જગત લાગે છે.
અહંકારને કારણે પોતાની લાલચુ વૃત્તિને ઓળખી શકતો નથી. ધનનો અહંકાર ધરાવનારી વાતચીત સાંભળો, તો એમની બધી જ વાતમાં ધનસંપત્તિનું સંકીર્તન જ કેન્દ્રસ્થાને હશે! આ બંગલા પાછળ કેટલો ખર્ચ કર્યો કે મોંઘીદાટ મોટર કેટલામાં ખરીદી, એ જ વાત કેન્દ્રસ્થાને હશે, કારણ કે ધનલોભની વૃત્તિ એને એ સિવાય અન્ય કશું વિચારવાની મોકળાશ આપતી નથી. એની જિંદગીની એક બારી જ ખુલ્લી હશે, એ સિવાયની જ્ઞાન, દાન, માનવતા જેવા બીજી બધી બધી બારીઓ બંધ હોય છે. એ અર્થમાં જુઓ તો અહંકાર એ વ્યક્તિના જીવનનું પૂર્ણવિરામ છે અને એને કારણે વ્યક્તિ પોતાની જાતને સતત છેતરતી રહે છે.
જર્મનીનો સરમુખતાયાર હિટલર સત્તાના એટલા બધા અહંકારમાં ડૂબી ગયો હતો કે એ પોતાની જાતને પોતાના નામથી એટલે કે ‘હિટલર’ તરીકે ઓળખાવવાને બદલે ‘ફ્યુરર’ (સમ્રાટ) તરીકે ઓળખાવવાનું પસંદ કરતો હતો. આનો અર્થ એ જ એ કે જીવંત વ્યક્તિ કરતાં માત્ર સત્તાનો અહંકાર બની ગયો હતો. આમ ગુરુ એ નિર્માણનું કામ કરે છે. શિષ્યને જગાડે છે પારાવાર મોહનિદ્રામાંથી, આભાસી સુખોમાંથી, માયાના મૃગજળમાંથી અને મોહની વિલાસિતામાંથી.
ગુરુ પહેલાં તો શિષ્યનાં મીઠાં-મધુરાં સ્વપ્ન પર ઘા કરે છે. આવી રીતે ઘા કરનારો ગુરુ એ સમયે અતિ આકરો પણ લાગે, અણગમતો પણ જણાય, પરંતુ શિષ્યનો મોહભંગ કરવા માટે એ જરૂર પડે કઠોર પણ બને છે અને ક્રૂર પણ થાય છે, કારણ કે શિષ્યને એ વર્ષોથી જ નહીં, પણ કેટલાય ભવોથી જેની આદત પડી ગઈ છે એવા મમત્વ, મિથ્યાત્વ કે કુસંસ્કારોમાંથી બહાર કાઢવા કોશિશ કરે છે. સતત તૃષ્ણાની જાળ રચતા કરોળિયાને એણે સ્વયં રચેલી જાળમાંથી બહાર કાઢે છે, આથી જ ગુરુની એક આંખમાં કઠોરતા હોય છે, જે શિષ્યના જીવનને યોગ્ય દિશામાં ગતિ આપે છે અને એની બીજી આંખમાં કરુણા હોય છે, જે કરુણીથી એ શિષ્યના હૃદયને પ્રેમ આપશે.
૧૨