________________
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ.’ ‘અનાદિથી ભ્રાંત એવા જીવને, સદ્ગુરુના યોગ વિના, પોતાની મેળે નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ હોય ?” પોતાની મેળે આ સ્વરૂપનું ભાન નહીં થાય. સદ્દગુરુ હશે તો બતાવશે. અને સદ્દગુરુ બતાવે એટલે બધા જ ધર્મનું તાત્પર્ય આવી ગયું કે બસ ! એક ‘આત્માર્થ.” આત્માને ઓળખવો, આત્માને પ્રાપ્ત કરવો અને આત્મસ્વરૂપમાં રમણતા થવી. એમાં સ્થિરતા થવી. આ બધા જ દર્શનનો ઉદ્દેશ છે. કપાળુદેવ કહે છે, “સર્વ દર્શને એ ઉપદેશ.’ આ અધ્યાત્મ દર્શનની વાત છે. ભોગભૂમિનાં દર્શનો જુદાં છે. પણ પૂર્વની જે સંસ્કૃતિ છે એમાં મુખ્ય છ દર્શન, અને એના બીજા પેટા દર્શનોમાં મુખ્ય કેન્દ્ર આત્મા છે. દેહ નથી. “કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.’ આત્માની ઓળખાણ થાય તો અનંતા કર્મો બે ઘડીમાં નાશ પામે. અને સદ્દગુરુ એ કર્મને ટાળવાનું એક નિમિત્ત છે. કારણ છે. સદ્દગુરુથી કર્મ ટળી શકે છે. આવો આત્માર્થી જીવ - તેને એક જ ઝંખના છે “કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.”
જેમ અર્જુનને એક જ લક્ષ હતો કે પક્ષીની આંખ વીંધવાની છે અથવા ભારતમાં કહે છે રાધાવેધ - એક થાંભલામાં અનેક ચક્રો આડા, અવળાં, ઊભા, ફરે તેમાં ઉપર પૂતળી હોય અને તેની જમણી આંખ, પાણીમાં તેનું બીંબ જોઈને વીંધવાની હોય એને કહે છે રાધાવેધ. આવું કઠિન કામ. પણ એક જ લક્ષ. જેમ સંસારમાં જીવને અનેક ચક્કર છે, કુટુંબના ચક્કર છે, સગાં વહાલાંના ચક્કર છે, વેપારના ને વ્યવહારનાં ચક્કર છે, આ બધા ચક્કરમાંથી એની દૃષ્ટિ કયાં હોય ? કેવળ આત્માની મુક્તિ. આવો રાધાવેધનો લક્ષ જીવની અંદર બંધાવો જોઈએ. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.” સંસારમાં અને લાગણીમાં તણાઈ જા મા. કોઈ જીવ તારો કાયમનો સગો નથી.
હા, આત્મા ત્રિકાળ છે. તારી સાથે જ છે. ગમે તે પર્યાયમાં, ગમે તે ગતિમાં, ગમે તે અવસ્થામાં, તારો આત્મા તારી સાથે છે. એ જેટલો પ્રબળ બન્યો છે ત્યારે તેં સુખનો અનુભવ કર્યો છે. એ જેટલો નિષ્ફળ થયો છે ત્યારે તે દુઃખનો અનુભવ કર્યો છે. અને એવું જ બન્યું છે કે આજ સુધી તું દુઃખી જ થયો
છો. ‘પામ્યો દુઃખ અનંત.” કારણ કે તે ક્યારેય ચૈતન્યનું સામર્થ્ય, આત્માની પ્રભુ સત્તા, એનું ગૌરવ, એની માટે મેં ક્યારેય કોઈ પુરુષાર્થ કર્યો નથી. જ્યારે પુરુષાર્થ કર્યા ત્યારે સંસારના જ રોદણાં રોયા છે. ક્યારેય તારું કલ્યાણ થયું નહીં.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮) ‘જ્યાં કષાય પાતળા પડ્યાં છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.”
“ભાઈ ! આવો આત્માર્થ ક્યાં હોય ?” ભગવાન ! તમે આત્માર્થી જીવનાં લક્ષણ તો કહો કે જેને કામ એક આત્માર્થનું જ હોય. અમને એની દશા તો કહો. ભગવાન આત્માર્થીના અહીં લક્ષણ બતાવે છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 122 E