________________
આ વૃત્તાંત સાંભળી નાગદત્ત સાથેના વહાણોના લોકો નાગદત્ત ઉપર આક્રોશ કરવા લાગ્યા. તો પણ નાગદત્તને એમના પર થોડો પણ રોષ ઉત્પન્ન થતો નથી. ધર્મનું શરણું લેવાનું સમજાવી એ લોકોને શાંત કર્યા.
ત્યાંથી થોડે દૂર સિંહલદ્વીપમાં ‘જીવાવતારતિ' નામે રાજા હતો જે કોઈ આપત્તિગતની વાત સાંભળતા એમને મદદરૂપ થયા વિના પોતે ભોજન કરતો નહીં. એ રાજાને શૈલકુંડલમાં ફસાયેલા ૫૦૦ વહાણોના સમાચાર મળતા તેમને યમના મુખમાંથી બહાર કાઢવાનો ઉપાય પોતાના મંત્રીઓ સાથે ચિંતવે છે પણ ઉપાય ન મળતા બીજા દિવસે નગરમાં પડહ વગાડે છે કે “જે કોઈ આ વહાણોને એ ગિરીકુંડલમાંથી બહાર કાઢશે એને રાજા એક લાખ સોનામહોરો આપશે. આ પડહ સાંભળી એક વૃદ્ધ નાવિક રાજા પાસે આવ્યો અને એ વહાણોને કુંડલમાંથી બહાર કાઢવાનો ઉપાય બતાવવા એક વહાણ દ્વારા શૈલકુંડલમાં આવ્યો. નાગદત્ત અને વહાણોના માણસોને એણે કહ્યું, ‘અહીં આ કુંડલ પાસેના પર્વતના શિખર પર એક સુંદર દેવમંદિર છે તેમાં એક મોટો ઘંટ છે, તે વગાડવાથી ગુફામાં તેનો અવાજ સો ગણો મોટો સંભળાય છે. તેથી પર્વત પર બેસેલા ભારંડ પક્ષીઓ એ અવાજથી આકુળ-વ્યાકુળ થઈ આકાશમાં ઉડે છે. ત્યારે એમની પાંખોના વેગવાળા પવનથી આ વહાણો ગુફામાંથી બહાર આવશે. પરંતુ ઘંટ વગાડવા ઉપર ચડેલો વ્યક્તિ ભૂખ-તરસથી પીડાતો મૃત્યુ પામશે.” આ સાંભળી ઘંટ વગાડવા પર્વતની ટોચ પર જવા કોઈ વ્યક્તિ તૈયાર થતો નથી. ત્યારે નાગદત્ત તે વૃદ્ધ નાવિકને અત્યંત મધુર વાણીથી કહે છે, 'તમારું હવે થોડું જ આયુષ્ય બાકી છે તો શેષ જીવનને બદલે આપત્તિમાં પડેલા અમારા બધાનો ઉદ્ધાર કરી યશ પ્રાપ્ત કરો.' પરંતુ એ વૃદ્ધ પુરુષ એ વાત માટે તૈયાર ન થતા નાગદત્ત પોતે જ પોતાની ફરજ સમજી પર્વતના શિખર પર ચડ્યો અને ઘંટ વગાડી, એના અવાજથી ભાખંડ પક્ષીઓ ઉડ્યા અને તેઓની પાંખોના પવનથી વહાણો ગુફામાંથી બહાર આવ્યા અને સિંહલદ્વીપ પહોંચ્યા. સાર્થના લોકો પોતે સાથે લાવેલ કરીયાણું વેંચી બીજું કરીયાણું ભરી સમુદ્ર માર્ગે કુસુમપુર પાછા આવ્યા.
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )