________________
ગુરૂ ભગવંત પૂ. પં. શ્રી અરૂણવિજયજી મ.સા.ની હું અત્યંત શી છું, જેમણે મને જૈનધર્મના પાયાના સિદ્ધાંતો ઊંડાણપૂર્વક સમજાવ્યા, તેવી જ રીતે પૂ. પં. શ્રી મુક્તિદર્શનવિજયજી અને પૂ. પં. શ્રી યશોવિજયજીની પણ હું અત્યંત કૃતજ્ઞ છું. પૂ. બાપાજી શ્રી રાકેશભાઈ ઝવેરીની હું હૃદયથી ઋણી છું, જેમના સત્સંગના શ્રવણથી મને અધ્યાત્મને પામવાની તેમજ “શ્રીમદ્ ભગવદ્ગીતા” સમજવાની તક મળી. શ્રી રમણિકભાઈ સાવલાનો હું આભાર માનું છું, જેમણે “સમયસાર” અને “નિયમસાર'માં વર્ણવેલા જ્ઞાયક એવા શુદ્ધાત્માનો પરિચય કરાવ્યો.
મારા સંશોધન કાર્યના માર્ગદર્શક ડૉ. કોકિલાબેન શાહના સાથ-સહકાર માટે હું આભારી છું. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હું અત્યંત ઋણી છું, જે સદાય મને શોધનિબંધ સમયસર પૂરું કરવા પ્રોત્સાહિત કરતા રહ્યા. એમના જ પ્રોત્સાહન અને સહાયથી આ શોધનિબંધ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીનો પણ આભાર માનું છું.
શોધનિબંધના અભ્યાસ માટે મને ગ્રંથો ઉપલબ્ધ કરાવનાર જૈન સાહિત્ય વિકાસ મંડળ (ઇલં), ઇર્ષા દહેરાસર પુસ્તકાલય તેમજ કોબાનું જ્ઞાનમંદિર આ સર્વે સંસ્થાઓ અને તેમના સંચાલકોનો હું આભાર માનું છું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી સ્વીકારી અને મુ. ધનવંતભાઈ શાહે જે સહયોગ આપ્યો, તે માટે તેઓનો ઋણ સ્વીકાર કરું છું.
અને મારા કુટુંબીજનો, મારા પતિશ્રી જીતુભાઈ તથા ચૈતાલી, સોહિલ અને કુન્તલ એમને હું કઈ રીતે ભૂલી શકું ? ઘરગૃહસ્થીની વ્યસ્તતામાં એમના સાથ અને સહકારથી જ હું આ મંઝિલ સુધી પહોંચી શકી અને મારે માટે આ અતિકઠિન કાર્ય શક્ય બન્યું.
અંતે આ પ્રસ્તુતિમાં જૈન ધર્મના સિધ્ધાંત વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય અથવા કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અરિહંત પરમાત્માની સાક્ષીએ ક્ષમા યાચું છું.
આ ગહન વિષયનો અભ્યાસ કરતી વખતે મહાન વિભૂતિનાં ઊર્ધ્વજીવનના યોગમાર્ગની જે ઝાંખી મળી, તેથી હૃદયને અપાર આનંદ થયો. વિદ્યાની સાધના સાથે અધ્યાત્મરસનો અનુભવ થતો રહે, તે કેવો મણિકાંચનયોગ કહેવાય. આ ગ્રંથ આ વિષયના અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને અધ્યાત્મસાધકોને કંઈક અંશે ઉપયોગી બનશે, તો મારો પ્રયત્ન સાર્થક માનીશ. જાન્યુઆરી, ૨૦૧૨
- રશ્મિ ભેદા