________________
૩
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
પ્રસ્તાવના :
શ્રીમદ્ કુંદકુંદાચાર્ય વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં શ્રી કુંદકુંદાચાર્ય અગ્રપદે છે.
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोऽस्तु मंगलं ।। આ શ્લોક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતા મંગળાચરણ રૂપે બોલે છે. સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ગૌતમસ્વામી પછી તરત જ શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. તેઓ કળિકાળસર્વજ્ઞ પણ કહેવાય છે. તેઓશ્રી અધ્યાત્મલીન, વીતરાગદર્શનના ૫૨મ મર્મજ્ઞ અને શ્રુતજ્ઞાનના મહાસાર સમા હતા. તેમને ભગવાન શ્રી મહાવીરનું જ્ઞાન આચાર્યોની પરંપરાથી મળ્યું હતું. એવી માન્યતા છે કે મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંક૨ સીમંધરસ્વામી પાસેથી તેમને દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમણે લખેલાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ ક૨વા માટે કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે.1આચાર્ય કુંદકુંદદેવની મહત્તા બતાવનારા અનેક ઉલ્લેખો જેન સાહિત્યમાં તેમજ શિલાલેખોમાં પણ મળી આવે છે.