________________
મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બે મુખ્ય ધર્મપરંપરાઓ ચાલી આવી છે – (૧) વૈદિક પરંપરા, (૨) શ્રમણ પરંપરા. વૈદિક પરંપરામાં હિંદુ ધર્મ અને શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ ધર્મ જોવા મળે છે. આ ત્રણે ધર્મનું પોતાનું દર્શન અર્થાત્ તત્ત્વવિદ્યા છે. બધાં દર્શનોનું ધ્યેય તે તે ધર્મનું વાસ્તવિક જ્ઞાન મેળવી તે દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. મોક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ પોતાના પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. આધ્યાત્મિક પૂર્ણતા ક્રમવાર આધ્યાત્મિક ઉત્ક્રાંતિથી પ્રાપ્ત થાય છે. આ સંસારમાં દરેક જીવ સ્થાયી સુખ અને શાંતિ તેમજ પૂર્ણ જ્ઞાન મેળવવાની ઇચ્છા કરે છે, જે એને મોક્ષ પ્રાપ્ત થતાં અર્થાત્ એનો આધ્યાત્મિક વિકાસ પૂર્ણ થતાં પ્રાપ્ત થાય છે.
જૈન ધર્મ અનાદિકાળનો ધર્મ છે. જ્યારથી સંસાર છે ત્યારથી તે સંસારને તરવાના માર્ગસ્વરૂપ અર્થાત્ જીવના આધ્યાત્મિક વિકાસના માર્ગસ્વરૂપ જૈન ધર્મ પણ છે. જેના શબ્દ “જિન” શબ્દ ઉપરથી આવેલો છે. જેઓએ રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા છે, જેણે પોતાની ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે અને મુક્તિ પ્રાપ્ત કરી છે તે જિન કહેવાય છે. જિન અર્થાત્ જિનેશ્વરોએ ઉપદેશેલો ધર્મ તે જૈન ધર્મ.