________________
૩૮૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : કોઈના તરફ કશું ખરાબ દૃષ્ટિ નથી કરી. પ્રશ્નકર્તા : આવો પ્રેમ જ જોવા ન મળે.
દાદાશ્રી : કેટલી બધી સરસ વીતરાગતા રહી ! એટલું કહીને આ ઉજાણી કરો. તે અમે વાજાં વગાડાવીએ. બહુ સારું થયું આ દેહમાંથી છૂટ્યા, કંઈ દુ:ખ પડ્યા સિવાય !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આનંદનો દિવસ. એ તો અહીં બેન્ડ હોત તો બેન્ડ બજાવત. હું બેન્ડ વગાડાવત અહીં. તે આ દેહમાંથી છૂટવું કંઈ સહેલું છે ? છોત્તેર વર્ષે છૂટવું સહેલું છે કંઈ ? આ દેહ જ છોડે નહીં. દુ:ખ આપ્યા વગર રહે નહીં હૈડપણ. કશું અડચણ વગર મુક્ત થયા. મારા મનમાં તો એવું કે આવું ને આવું જો ગાડી ચાલ્યા કરે તો બહુ સારું પડી જાય, પણ ગાડી ચાલી. સરળ સ્વભાવી, બીજી કશી ભાંજગડ નહીં.
અને હીરાબા છોત્તેર વર્ષના હતાં. તે હવે પૈડું પાન થયું હતું ને ખરવા લાયક થયા’તા. એટલે મેં તો તરત જ બધાને કહ્યું કે આજ તો મારે ત્યાં બેન્ડ હોત તો હું વાજાં વગાડાવત, કે આવા ભાંગલા-તૂટેલા દેહમાંથી આત્મા સારી રીતે નીકળ્યો ! તોય આપણા લોકો એને કાણમોકાણ જેવું બનાવી દે.
પ્રશ્નકર્તા: દીકરો જન્મ્યો ત્યારે તો પેંડા વહેંચ્યા પણ મરી ગયો ત્યારે વહેંચ્યા. એ વાત તે દહાડે કાઢેલી. અને આજ આ વાત નીકળી કે બેન્ડવાજા વગાડત.
દાદાશ્રી : મેં એક-બે જણને તરત કહ્યું હતું, કે બેન્ડ હોત તો આજ બેન્ડ વગાડત.
હીરાબાને પૂછયું હોત આપણે કે “અમે તમારા પછી શોક રાખીએ?” ત્યારે કહેત કે “ના, શાંતિથી રહેજો.” આ તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે લોક.