________________
| (23)
જૈન ભૂગોળ-ખગોળ : એક સમાધાન
જગત શું છે? કેવું છે? કેવી રીતે ચાલે છે? – આ પ્રશ્નો વિજ્ઞાનના મૂળમાં છે. હું કોણ છું? દુ:ખ શું છે? તે કેમ આવે છે? - આ પ્રશ્નો અધ્યાત્મના મૂળમાં છે. વિજ્ઞાની જગતને સમજવાનો પ્રયાસ કરે છે, એને પણ કોઈક તબક્કે હું કોણ છું? એ પ્રશ્નનો સામનો કરવાનો આવ શે. એ જ રીતે
અધ્યાત્મના સાધકને કોઈક તબક્કે આસપાસનું આ વિશ્વ શું છે? કેમ ચાલે છે? એ પ્રશ્ન જાગે છે. તીર્થકરો અધ્યાત્મના પુરસ્કર્તા છે. મનુષ્ય કેમ જીવવું એ શીખવવા તેઓ અવતર્યા છે. દુ:ખસાગરને ઓળંગી શાશ્વત શાંતિના કિનારે કેમ પહોંચવું એની વિદ્યા તેઓ આપવા માગે છે. આથી, જીવનશોધન અને આત્મપ્રબોધન તેમના ઉપદેશના કેન્દ્રબિંદુ છે. તેમ છતાં, આ દૃશ્યમાન ભૌતિક જગત વિશે જિજ્ઞાસુ - મુમુક્ષુજનો તરફથી પ્રશ્નો આવે છે અને તીર્થકરો તેમના સમાધાન અર્થે વિશ્વ રચના અંગે વાત કરે છે. આથી જ આગમોમાં ભૂગોળ, ખગોળ, જ્યોતિષચક્ર, સ્વર્ગ, નરક વગેરેનું વર્ણન અને નિરૂપણ થયેલું જોવા મળે છે. તીર્થકરો ભૌતિકશાસ્ત્રીની જેમ ભૌતિક જગતની દરેક વસ્તુનું નિરૂપણ નથી કરતા, ખપ પૂરતું વિવરણ કરે છે. હા, તેમના અનુયાયી વિદ્વાન મુનિવરો એ વિષય ઉપર વિશેષ વિચારણા કરે અને વિશ્વનું સંપૂર્ણ ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. આથી જ જૈન પરંપરામાં પરવર્તી ગ્રંથકારો દ્વારા ભૂગોળ, ખગોળ, જીવવિજ્ઞાન સંબંધી સ્વતંત્ર સાહિત્યનું