________________
સંસ્કૃતિમંદિરનું સર્જન
આ જગતમાં મોટા ભાગની વ્યક્તિઓ માત્ર ‘સ્વ'નો જ વિચાર કરતી હોય છે. એ પોતાના પ્રશ્નો અને પોતાના સંસારમાં જીવન-સર્વસ્વની સમાપ્તિ કરતી હોય છે. કેટલીક વ્યક્તિઓ ‘સ્વ' ઉપરાંત ‘સર્વ'નો વિચાર કરતી હોય છે અને પોતાની ચોપાસ નિહાળતી હોય છે. એમાં પણ વિરલ વ્યક્તિઓ પોતાની આસપાસની પરિસ્થિતિને ઓળંગીને ઊર્ધ્વદર્શન કરતી હોય છે. વર્તમાનની સપાટીને ભેદીને આવતીકાલના ભવિષ્યની કલ્પના કરતી હોય છે. એમાંથી ય જૂજ વ્યક્તિઓ ઊર્ધ્વદર્શન કરીને આકાશમાં વાદળોનો વિચાર કરતી હોય છે અને સમગ્ર યુગમાં એક-બે વ્યક્તિઓ એવી આવે કે જેની નજર વિરાટ આકાશને વ્યાપી વળતી હોય છે.
શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર(વલ્લભસ્મારક)ની કલ્પના એ વિરાટ આકાશને બાથમાં લેવાની કલ્પના છે. ભારતીય ઇતિહાસ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે આઝાદી પછીના સમયમાં કન્યાકુમારીના સાગરમાં સ્વામી વિવેકાનંદજીના સ્મારક પછી દિલ્હીમાં અતિ ભવ્ય એવા શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિરનો વિચાર જાગ્યો.
તત્ત્વપરીક્ષક, શક્તિસંપન્ન અને અપ્રતિમ બુદ્ધિશાળી તથા શાંત ક્રાંતિના પ્રણેતા શ્રી આત્મારામજી મહારાજ છેલ્લા
સંસ્કૃતિમંદિરનું સર્જન બે સૈકામાં જિનશાસનમાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ૬૦ વર્ષના આયુષ્યકાળમાં પૂ. આત્મારામજી મહારાજે અનેક શુભ કાર્યો કર્યાં. જનસમૂહમાં પ્રચંડ જાગૃતિ આણી અને પંજાબમાં તો જ્યાં પગ મૂકો, ત્યાં આત્મારામજી મહારાજનું નામ ગુંજતું -ગાજતું અને લોકજીભે રમતું. આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની ધુરા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને સોંપી અને કહ્યું કે, ‘મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે.’ એવા એમના કથનને યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પંજાબમાં ઘણાં વર્ષ સુધી વિહાર કરીને અને અવિસ્મરણીય ધાર્મિક અને સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું.
આમ જિનશાસનના બે પ્રતિભાશાળી, પ્રભાવક અને ક્રાંતદર્શ આચાર્યની તેજસ્વી સ્મૃતિમાં શ્રી વલ્લભસ્મારકની કલ્પનાનું બીજારોપણ થયું. ભવ્ય અતીતને તેજસ્વી વર્તમાનમાં સાકાર કરવો હતો. ભૂતકાળની ભાવનાને સાંપ્રત સમયમાં જીવંત કરવી હતી અને સ્મારક રૂપી સ્મૃતિ-મંદિરને નવી પેઢીની ધરોહર સાથે જોડવું હતું.
સામાન્ય માનવી અને લોકોત્તર વિભૂતિઓ વચ્ચેનો ભેદ એ છે કે સામાન્ય માનવી કોઈ આઘાત થતાં શોકના ઊંડા આઘાતમાં ડૂબી જાય છે, જ્યારે લોકોત્તર માનવી શોકના ઘેરા આઘાતમાંથી પવિત્ર શ્લોકનું હૃદયંગમ સર્જન કરે છે, આવેલી ઉપાધિમાંથી પરમ સમાધિ જગાડે છે અને જીવનની દુ:ખદ ઘટનાઓમાંથી કોઈ ઊર્ધ્વતાપ્રેરક મહાન બોધ પ્રગટાવે છે.
જે સમયે અંબાલા શહેરમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા, એવા સમાચાર સાંભળ્યા, ત્યારે મહાન ગુરુ અને પ્રેરણાદાતાની વિદાયને કારણે એમનું હૃદય આઘાતથી સ્તબ્ધ બની ગયું. એ વખતે અંબાલાના શ્રીસંઘે મૌનયાત્રાનું આયોજન કરીને યુગવીર આચાર્યશ્રીને પોતાની અંતરની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એ પછી જનસમુદાય ઉપાશ્રયમાં ઉપસ્થિત થયો અને સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીની નિશ્રામાં દેવવંદન કર્યું. શોકનો સાગર, ઊછળતો હતો, ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજી સ્વસ્થતાની દીવાદાંડી બની રહ્યાં.