________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નમ્રતા અને નિઃસ્પૃહતા
૧૯૯૦ની ૩૦મી એપ્રિલ અને વૈશાખ સુદિ છઠ્ઠ ને સોમવારે આ મહાતીર્થ પરની તળેટીના જિનમંદિરમાં આચાર્યદેવ ગચ્છાધિપતિ વિજયઇન્દ્રદિત્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મૂળનાયક તરીકે તેમાં ભગવાન આદિનાથની પ00 વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન કરવામાં આવી.
કાંગડાના તળેટી મંદિરમાં પાંચસો વર્ષ જૂની ભગવાન શ્રી આદિનાથની પ્રતિમાની પણ એક કથા છે. એકવાર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ જૈન સમાજના અગ્રણી લેખક અને વિચારક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહ્યું, ‘ભાઈ, મારે તો ના પ્રાચીન તીર્થસ્થાનમાં કોઈ પ્રાચીન પ્રતિમા જોઈએ છે. પ્રાચીન પ્રતિમાનો પ્રભાવ અને માહાભ્ય કંઈક અનેરાં જ હોય છે.’
આ સમયે શ્રી રતિલાલ દેસાઈએ જણાવ્યું કે, ‘આપની આવી ઉત્તમ ભાવના જાણીને મને આનંદ થાય છે. શ્રી રાણકપુર તીર્થમાં પાંચસો વર્ષ જૂની પ્રતિમા છે અને તે અંગે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને વાત કરીશું.”
| શ્રી રતિભાઈ દેસાઈએ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સમક્ષ સાધ્વીજીની ઉન્નત ભાવના પ્રગટ કરી ત્યારે એમણે એમની વાતનો સાનંદ સ્વીકાર કર્યો. જ્યારે શ્રી રતિભાઈ દેસાઈએ સાધ્વીજી મહારાજને આ આનંદના સમાચાર આપ્યા ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયાં. એ પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા રાણકપુર તીર્થની આ પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ અને તેને કાંગડાના તળેટી મંદિરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી.
કાંગડા તીર્થના પુનરુદ્ધારનો પુરુષાર્થ એ જૈનઇતિહાસની અમર ગાથા બની રહ્યો. ગ્રંથોમાંથી એક પ્રાચીન તીર્થની ગરિમાનો ઉલ્લેખ મળ્યો. ગુરુ, વલ્લભને એ તીર્થને પુનઃ જીવંત કરવાની ભાવના જાગી અને સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં પ્રેરણામૂર્તિ ગુરુની એ ભાવના તપોબળ, ભાવનાબળ અને જપબળને પ્રભાવે સાકાર કરી !
અમુક ઘટના સર્જાય એટલે ઇતિહાસ રચાતો હોય છે. જિનશાસનના ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો અને બનાવો મળશે કે જ્યાં કોઈ ઘટના બનતી હોય અને નવો ઇતિહાસ રચાતો હોય, પરંતુ ઘટના સર્જાવાની હોય, તે ન સર્જાય અને ઇતિહાસ રચાઈ જાય એવો ચમત્કાર તો કદીક જ બનતો હોય
પંજાબનો વિરાટ લોકસમૂહ સાધ્વીશ્રી મૃગાવતીજીનો પડ્યો બોલ ઝીલતો હતો. સાધ્વીજીએ આ પ્રદેશમાં જૈન ધર્મની જ્યોતને તો ઉજ્વળ રાખી હતી, પણ તેથીય વિશેષ જૈન કે જૈનેતરોના જ નહીં, બલકે તમામ ધર્મના જનહૃદયમાં એમની ઉદાર દૃષ્ટિ અને અંતરની વિશાળતાને કારણે તેઓ સન્માનભર્યું શ્રદ્ધાસ્થાન બન્યા હતા. એમની વાણીમાં સરળતા હતી, વ્યવહારમાં વત્સલતા હતી, વિચારોમાં વિશાળતા હતી, સામાજિક સુધારણાની તેજસ્વિતા હતી. જેટલાં નિખાલસ હતાં, એટલાં નિરભિમાની હતાં.
સાધ્વીજી પોતાના સાધુજીવનમાં એક બાજુ સ્વાધ્યાયમાં સતત લીન રહેતાં, તો બીજી બાજુ શાસનનાં અશક્ય કાર્યોને શક્ય કરતાં હતાં, તો વળી એની સાથોસાથ સમાજની કુરૂઢિઓ અને કુપ્રથાઓ સામે પરિવર્તનનો પ્રચંડ જુવાળ તેઓએ જગાવ્યો હતો, તો એમની કરુણાદૃષ્ટિને કારણે