________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ શ્રી જુગલકિશોરજી, શ્રી દેવેન્દ્રભાઈ કસૂરવાલે, શ્રી પાર્શ્વદાસજી વગેરેનો નોંધપાત્ર ફાળો હતો.
ફરી આચાર્યશ્રીની ઇચ્છા પ્રમાણે પંજાબ ધર્મભાવનાના રંગે રંગાઈ ગયું. તીર્થસ્થાનો માટે યાત્રાસંઘ નીકળે છે, પરંતુ સાધ્વીજીએ ગુરુભક્તિને માટે લુધિયાણાથી લહરા સુધી યાત્રાસંઘની પ્રેરણા આપી, એમની નિશ્રામાં ત્રણસો શ્રાવક-શ્રાવિકાઓનો પદયાત્રી સંઘ પહેલીવાર લુધિયાણાથી લહરા ગયો અને એ પ્રસંગે સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ ગુરુતીર્થની યાત્રા કરી હતી. ગુરુનો મહિમા માત્ર વાણીમાં જ નહીં, પણ વાસ્તવમાં પ્રગટે તેવો પ્રયાસ કર્યો. આ ગુરૂધામને સુંદર બનાવવાના સંકલ્પ સાથે કાંગડા તીર્થનો ઉદ્ધાર કરવાની પોતાની ઇચ્છાની ઘોષણા કરી. ત્યાર બાદ તેઓ પટ્ટીમાં સંક્રાંતિ ઉજવીને અમૃતસર આવ્યા.
જેઠ સુદ આઠમના દિવસે અમૃતસરમાં પૂ. આત્મારામજી મહારાજની પુણ્યતિથિના એક સમારંભ વખતે જોરથી આંધી આવતાં મંડપમાં બેઠેલાઓને ઉદ્દેશીને સાધ્વીજીએ મોટા અવાજે સહુને કહ્યું, ‘બધા મંડપની બહાર આવી જાવ. મંડપમાં કોઈ ન રહે.’ અને જેવો શ્રીસંઘ બહાર નીકળ્યો કે આખો મંડપ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો અને વીજ બીની ટ્યૂબો પણ જમીન પર અથડાઈને તૂટી ગઈ. સાધ્વીજીની સમયસૂચકતાને કારણે કોઈ હાનિ થઈ નહીં.
૧૯૭૮નો ચાલીસમો ચાતુર્માસ કાંગડામાં થયો અને એ કાંગડાનું તીર્થ જૈન સમાજને માટે સદાને માટે ખુલ્લું થઈ ગયું, એનો યશસ્વી ઇતિહાસ તો હવે પછી જોઈશું. - ઈ. સ. ૧૯૭૯નો એકતાલીસમો ચાતુર્માસ અને ઈ. સ. ૧૯૮૦નો બેતાલીસમો ચાતુર્માસ દિલ્હીમાં થયો અને સ્મારકનું સર્જનકાર્ય ખૂબ વેગપૂર્વક ચાલવા લાગ્યું. શ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં શ્રી દીપચંદ ગાર્ડના અધ્યક્ષસ્થાને વલ્લભસ્મારકના શિલાન્યાસના પ્રસંગે ‘અખિલ ભારતીય શ્વેતાંબર જૈન કૉન્ફરન્સ'નું ૨૪મું અધિવેશન નવેમ્બર ૧૯૭૯માં ખૂબ સફળ રહ્યું.
શ્રેપ્ટિવર્ય શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના હસ્તે સ્મારકમાં ૧૯૮૦ની ૨૧મી એપ્રિલે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયનો શિલાન્યાસ થયો. વલ્લભસ્મારકનું
કામ ચાલતું હતું, પણ સાથોસાથ સ્વાચ્ય અસ્વસ્થ થતાં ૧૯૮૦ની ૧૭મી મેએ મુંબઈના પ્રખ્યાત ડૉ. પ્રફુલ્લ દેસાઈએ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીનું ઑપરેશન કર્યું. શરીરમાં ઘણી દુર્બળતા આવતી જતી હતી. ઑપરેશન પછી પણ એમણે સાધુજીવનની મર્યાદાનું પૂર્ણપણે પાલન કર્યું. તેઓ સદૈવ પગપાળા ચાલતાં હતાં. લિફ્ટ કે સ્ટ્રેચરનો ક્યારેય ઉપયોગ કર્યો ન હતો. ઑપરેશન પછી થોડા સમય બાદ પાદવિહાર કરીને તેઓ ગુરુક્ષેત્રની સંભાળ લેવા માટે વલ્લભસ્મારક સુધી ગયાં હતાં..
હૉસ્પિટલમાં શ્રી શાંતિલાલજીએ (એમ.એલ.બી.ડી.) પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજને કહ્યું, ‘મને એક વચન આપો.” પૂજ્યશ્રીએ પૂછયું, ‘કયું વચન'. શ્રી શાંતિલાલભાઈએ કહ્યું, ‘બસ, મને હું જે વચન માગું તે આપો.' પૂજ્ય મહારાજ જીએ કહ્યું, ‘જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી હું કેવી રીતે વચનબદ્ધ થાઉં. હું વચન પાળી ના શકું.' શાંતિલાલજી એ કહ્યું, ‘આપ વચન પાળી શકો એમ છો.’ એમ કહેતાં એમની આંખોમાંથી દડદડ આંસુ વહેતા જાય. ગળગળા હૃદયે એમણે કહ્યું, ‘હૉસ્પિટલની દવાઓ, ઑપરેશનનો બધો જ ખર્ચ મારે કરવો છે. મને લાભ આપો.' શ્રીસંઘને આ વાત કરી અને શ્રીસંઘની આજ્ઞા લઈને મહારાજ જીએ વચન આપ્યું અને ભક્તિ-ભાવથી ભરેલા શ્રી શાંતિલાલજીએ કૃતજ્ઞતાપૂર્વક આ વચનને સ્વીકાર કર્યું. સતી આત્માને પરમશાંતિનો અનુભવ થયો.
ત્યારે સમસ્ત રૂપનગર શ્રીસંઘ, શ્રી રાજ કુમારજી (એન.કે.), શ્રી શાંતિલાલજી પરિવાર (એમ.એલ.બી.ડી.), સમસ્ત રૂપનગર મહિલા મંડળ, શ્રી વિશભરનાથજી, શ્રી મનમોહનભાઈ (નીલોખંડી), ભક્તહૃદય સરલાત્મા શ્રી દેવરાજ જી (વી.કે. હોજિયરી), શ્રીમતી સુરેશાબહેન મહેતા, શ્રીમતી સુધાબહેન શેઠ, શ્રીમતી સુમિત્રાબહેન (ત્રિપુટી) આદિ બધાએ ખડે પગે ખૂબ જ સેવા કરી. પંજાબ શ્રીસંઘમાં બધાય ભાઈ-બહેનોએ, બચ્ચા-બચ્ચાએ કોઈએ તપ કર્યું, કોઈએ જાપ કર્યા, કોઈને પ્રભુ પ્રાર્થના કરી, તો કોઈએ ગૌશાળામાં દાન આપ્યું. પૂ. મૃગાવતીજી મહારાજના સ્વાથ્ય માટે જેમણે અઠ્ઠમ કર્યા હતા એવા ભાઈબહેનોને લુધિયાણાથી ત્રણ બસોમાં શ્રી રોશનલાલજી (ધનપતરાય ચરણદાસજી) પરિવાર પૂજ્ય મહારાજજીના દર્શન કરાવવા માટે લાવ્યા હતા.
૧૫