________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધ્વીશ્રી મૃગાવતીજી માનતાં હતાં કે લાંબા અભ્યાસ અને જ્ઞાન-ધ્યાન બાદ જ દીક્ષિત થવા ઇચ્છનારને દીક્ષા આપવી. પરિણામે એમણે જેમને પણ દીક્ષા આપી, તેમને પાંચેક વર્ષ પોતાની સાથે રાખ્યા અને આ પાંચ વર્ષ દરમિયાન પચ્ચખાણ આપતાં કે માતા-પિતા સિવાય બીજું કોઈ પૈસા આપે તો લેવાના નહીં, કોઈપણ ગૃહસ્થના ઘેર જાય ત્યારે એ શ્રાવક એમને ધન કે કોઈ ચીજવસ્તુ અર્પણ કરે, તો તે લેવાં નહીં અને કહેતા કે આવા નિયમોને પરિણામે જ દીક્ષાર્થીનું તેજ વધે છે. નવ દીક્ષિત સાધ્વીને તેઓ દસ વર્ષ સુધી ગોચરી માટે મોકલતાં નહીં. એને બદલે એને વધુ ને વધુ સ્વાધ્યાય કરાવતાં. ધ્યાન, મૌન, વિનય અને વિવેક શીખવતાં હતાં.
૧૯૭૧માં અહિંસા હૉલમાં ખારના આ તંત્રીસમાં ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી, દેરાવાસી, દિગમ્બર, તેરાપંથી તથા જૈનેતર વર્ગનો મોટો સમુદાય તેમની વાણીનો લાભ લેતો. પર્યુષણમાં પણ આજ રીતે બધા ફીરકાનું સુમેળભર્યું વાતાવરણ સર્જાયું. અહિંસા હોલ ઉપર અન્ય પ્રવૃત્તિઓ માટે નવું બાંધકામ જરૂરી હોવાથી પૂજ્ય સાધ્વીશ્રીજીની પ્રેરણાથી રૂ. ૧ લાખના ખર્ચ સામે રૂ. ૪૦ હજારની રકમ પણ ભેગી થયેલી. ‘શ્રી પંજાબ જૈન બ્રાતું સભા' અને ‘શ્રી ખાસ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ' બંનેએ પોતપોતાની પ્રવૃત્તિઓ વિકસાવવા અરસપરસ આર્થિક સહાય અને અન્ય સુમેળ સાધીને સંગઠનનું અનુપમ દૃષ્ટાંત પૂરું પાડવું.
૧૯૭૨માં ચોત્રીસમાં ચાતુર્માસ અર્થે સાધ્વીશ્રી મૃગાવતીજી અમદાવાદમાં પધાર્યા. અમદાવાદના વિઘાના વાતાવરણમાં એમની જ્ઞાનાભ્યાસની વૃત્તિ પ્રબળ બની અને તેઓ સૌ સ્વાધ્યાયમાં ડૂબી ગયાં. ત્યારબાદ વડોદરામાં પૂ. આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની નિશ્રામાં થનારા સાધ્વી-સંમેલનમાં સાધ્વીશ્રી મૃગાવતીજી ભાગ લેવા ગયાં અને એ સમયે આ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજનો પણ ત્યાં જ ચાતુર્માસ હતો. આ પ્રસંગે ગુરુમહારાજના આદેશથી શ્રમણી વર્ગને ઉદ્દેશીને સાધ્વીશ્રી મૃગાવતીજીએ એક અપીલ કરી હતી અને તેમાં એમણે કહ્યું હતું કે આજ કાલ ગૃહસ્થ પોતાનાં બાળકોને અભ્યાસ માટે બોર્ડિંગ, કૉલેજો કે વિદેશમાં મોકલે છે, તો સાધ્વીજી મહારાજોએ પણ પોતાની શિષ્યાઓને વિદુષી બનાવવા માટે ૨૦-૨૫ કે ૯૦-૧૦૦ માઈલ દૂર મોકલવી જોઈએ, જેથી એમનું જીવન
આત્મ-ક્રાંતિના ઓજસ શાસ્ત્રજ્ઞાનથી ઊજળું બને. એમ કરવાથી સંઘનું હિત થાય અને દેશમાં ધર્મપ્રચાર થઈ શકે.
એમણે એવું પણ સૂચન કર્યું હતું કે દીક્ષાર્થી બહેનને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વિશેષ અભ્યાસ માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ નિયત કરવો જોઈએ. આગમોના અભ્યાસ માટે યોગ્ય પંડિતો પાસે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે, તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય.
આ રીતે એમણે સાધ્વીસંઘને જ્ઞાનાભ્યાસ તરફ જાગ્રત થવાની અને સામાજિક સુધારણા માટે કાર્યનિષ્ઠ બનવાની હાર્દિક અપીલ કરી હતી. આ સાધ્વી-સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.
એવામાં ભગવાન મહાવીરનું ૨૫00મું નિર્વાણ કલ્યાણક દિલ્હીમાં ભવ્ય રીતે ઊજવવાનું આયોજન થયું. જૈન સમાજના ચારે ફિરકાઓએ સાથે મળીને એની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ માટે દિલ્હીના શ્રીસંઘના શ્રાવકો આચાર્ય પૂ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરવા આવ્યા. આ સમયે આચાર્યશ્રી વડોદરામાં બિરાજમાન હતા અને ત્યાં વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આ કાર્યને પૂર્ણ કરવા માટે એમની ઉપસ્થિતિ આવશ્યક હોવાથી એમણે કહ્યું કે મારાથી હાલ દિલ્હી આવી શકાય તેમ નથી.
| દિલ્હી શ્રીસંઘના શ્રાવકોએ આચાર્યશ્રીને વિનંતી કરી કે આપ આવી શકો તેમ ન હોય તો પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીને મોકલો. તેઓ આપના પ્રતિનિધિ થઈને સઘળું કામ પાર પાડશે. તે દરમિયાન આપ અહીંયાંનું કામ સંપન્ન થઈ જાય એટલે દિલ્હી આવીને એ બધાં કામો આગળ ધપાવજો.
આચાર્યશ્રીએ શ્રીસંધની વિનંતીનો સ્વીકાર કર્યો અને એમણે સાધ્વીજીને આદેશ આપ્યો કે તેઓ વહેલી તકે દિલ્હી પહોંચે અને ઉગ્ર વિહાર કરીને સાધ્વીજી ૧૯૭૩ના ૩પમા ચાતુર્માસ માટે દિલ્હી આવ્યાં. આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજીની આજ્ઞાથી સાધ્વી મૃગાવતીશ્રીજીએ દિગંબર, સ્થાનકવાસી અને શ્વેતાંબર સાધુઓની સાથે બેસીને આ આયોજનને સફળ બનાવવા માટે અથાગ પુરુષાર્થ કર્યો. (જેમ કે તા. ૧૮ નવેમ્બર ૧૯૭૩ના રોજ મુનિ શ્રી
-
૧૦૯,