________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ સંધોની આગ્રહભરી વિનંતીઓ શ્રવણબેલગોલાની પવિત્ર ભૂમિમાં પ્રાપ્ત થઈ.
| વિશાળ હૉલમાં સભાનું આયોજન થયું અને શ્રવણબેલગોલાનો એ હોલ ખીચોખીચ ભરાઈ ગયો. એક પછી એક સંઘે ઊભા થઈને સાધ્વીશ્રીને વિનંતી કરી. કોઈએ ઝોળી ફેલાવીને જાણે ભિક્ષા માગતા હોય તેમ કહ્યું કે સાધ્વીજી મહારાજ, અમારા શહેરને આગામી ચાતુર્માસનો લાભ આપો. કોઈ ગળગળા સાદે આજીજી કરતા હતા કે છેલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષથી અમારા પૂર્વજો અહીં વસે છે, પણ અમારાં સંતાનોએ ક્યારેય જૈન સાધુ-સાધ્વીજીનાં દર્શન કર્યા નથી. એમને જૈન સાધુતાની મહત્તાનો કશો ખ્યાલ નથી. એમના આચારો અને દિનચર્યા વિશે કોઈ કલ્પના પણ નથી. જો તમે અમારી ચાતુર્માસની વિનંતી નહીં સ્વીકારો, તો અમારાં બાળકો નાસ્તિક થઈ જશે.
અહીં બેઠેલા ગુજરાતી સર્જન શ્રી હિંમતભાઈએ કહ્યું, ‘સાહેબજી, અમાવાસ્યાની અડધી રાત્રે પણ જરૂરત પડે અમે ઊભા રહીશું. પણ આ ચાતુર્માસ તો અમારા મૈસૂરમાં કર. મૈસૂરના શ્રીસંઘનાં સહુ શ્રાવક-શ્રાવિકાઓ વતી આપને મૈસૂરમાં આવવાનું હું નિમંત્રણ પાઠવું છું. મૈસૂરના ચોમાસા બાદ આપ આ બધાં ક્ષેત્રોને લાભ આપો, પણ ચોમાસું તો મૈસૂરમાં કરવાનો જ આદેશ ફરમાવશો.’
સાધ્વીશ્રી મૃગાવતીજી થોડીક ક્ષણો મૌન રહ્યાં. સભામાં એક પ્રકારની ખામોશી છવાઈ ગઈ. શ્રી ઋષભચંદજી ડાગાની અડગ ગુરુભક્તિ તેઓ જાણતાં હતાં અને તેથી મૈસૂરના શ્રીસંઘને ચોમાસા માટે મંજૂરી આપી, મૈસૂરનાં શ્રાવકશ્રાવિકાઓએ તરત જ ‘જય' બોલાવી દીધી. બીજા સંધના લોકો નિરાશ થઈને કહેવા લાગ્યા, કે અમે આજે ભોજન નહીં કરીએ. કોઈ નારાજ થયા હતા, તો કોઈની આંખમાં આંસુ હતાં. ત્યારે મૈસૂરના શ્રીસંઘના ભાઈઓએ સહુને મનાવ્યા અને સાધ્વીજીએ એમને કહ્યું કે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ તરત જ તમારા સહુનાં શહેરોમાં આવીશું. તમે ચિંતા કરશો નહીં.
અન્ય સંધોનાં શ્રાવક-શ્રાવિકાઓએ માંડ માંડ ભોજન લીધું, પણ આ અપરિચિત સંઘોની પોતાના પ્રત્યેની ભાવનાથી સ્વયં સાધ્વીજી ગદ્ગદિત થઈ ગયાં. દક્ષિણ પ્રદેશમાં સાધુ-સાધ્વી મહારાજની કેટલી આવશ્યકતા છે એનો પણ ખ્યાલ આવ્યો,
આજ સુધી ગુરુવલ્લભના ક્રાંતિકારી વિચારોની લહેર ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં પ્રસરી હતી. હવે એમણે ૧૯૬૯નો એકત્રીસમો ચાતુર્માસ મૈસૂરમાં કરીને ગુરુવલ્લભની ક્રાંતિની જ્યોતને દક્ષિણ ભારતમાં ફેલાવી. ૧૯૬૯ની બીજી જુલાઈએ એમણે મૈસૂર નગરમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ કર્યો. તેઓ મૈસુરમાં સાર્વજનિક વ્યાખ્યાનો આપતાં રહ્યાં. મૈસૂરમાં પાઠશાળા અને લાયબ્રેરીની પ્રવૃત્તિઓ શરૂ થઈ, આયંબિલશાળા માટે રૂ. ૭૫ હજારની તિથિઓ નોંધાઈ, જ્ઞાનમંદિર અને મહિલા મંડળની સ્થાપના થઈ. સ્નાત્રમંડળ, યુવકમંડળની પણ સ્થાપના કરી. અહીંના નગરપતિ શ્રી અનુમન્તપ્યા શહેરના આગેવાનો યુનિવર્સિટીના ઉપકુલપતિ વગેરે અવારનવાર પૂજ્ય સાધ્વીજીના સંપર્કમાં રહેતા જેના પરિણામ સ્વરૂપ પર્યુષણમાં ચાર દિવસ કતલખાનાઓ બંધ રહ્યા એકવાર વ્યાખ્યાનમાં બ્રહ્મચર્ય વ્રત વિશે દૃષ્ટાંત સભર વાણીની એવી અસર થઈ કે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવા માટે લાઈનો લાગી ગઈ. આ ચાતુર્માસ દરમિયાન શ્રી હિંમતભાઈ, શ્રી ચુનિભાઈ, જે . ચંપાલાલજી, શ્રી હેમરાજજી જેવા કર્મઠ કાર્યકર્તાઓનો સુંદર સહયોગ સાંપડયો હતો. પંજાબ અને મૈસૂરના શ્રાવકો સાથે સાધ્વીજી મૈસૂરના મહારાજાને મળવા ગયાં ત્યારે તેઓ બંને વચ્ચે સંસ્કૃતમાં સુંદર વાર્તાલાપ થયો હતો, જેનાથી મૈસૂરના મહારાજા અત્યંત પ્રસન્ન થયા હતા.
મૈસૂરના ચાતુર્માસ સમયે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પાસે “સુબોધિકા ટીકા’ ધરાવતું સંસ્કૃત ‘કલ્પસૂત્ર' હતું. અસ્મલિત હિંદી ભાષામાં એમની ધર્મવાણી વહેતી હતી. જ્યાં ગુજરાતી શ્રાવકો હોય ત્યાં એ ગુજરાતી ભાષામાં વ્યાખ્યાન આપતાં હતાં. વ્યાખ્યાન પૂર્ણ થતાં કેટલાક શ્રાવકો સાધ્વીજી પાસે આવ્યા અને એમની પાસેથી કલ્પસૂત્રની પ્રત જોવા માટે માગી. શ્રાવકોએ જોયું તો વ્યાખ્યાન હિંદી કે ગુજરાતીમાં અપાતું હતું અને પ્રત સંસ્કૃતમાં હતી. આશ્ચર્યચકિત બનેલા શ્રાવકોએ પૂછયું, ‘મહારાજ જી, આપ સંસ્કૃત પ્રત રાખીને હિંદી કે ગુજરાતી ભાષામાં અસ્મલિત ધારાથી કેવી રીતે વ્યાખ્યાન આપો છો ? અમારી તો ધારણા હતી કે તમારી પાસે એનો અનુવાદ હશે ?”
ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું, ‘ઘણાં વર્ષોથી હું આ રીતે વ્યાખ્યાન આપું છું એટલે મારે માટે એ સહજ બની ગયું છે.”