________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ સ્વચ્છતા, વ્યવસ્થા અને અનુશાસન અભુત હતા. એક દિવસ માટે આવ્યા હતા પણ સાધ્વીશ્રી મૃગાવતીજીનું વ્યાખ્યાન સાંભળી આ લોકોના અતિ આગ્રહથી ત્રણ દિવસ રહ્યા અને ખૂબ આનંદ અનુભવ્યો.
એ પછી છવ્વીસમો ચાતુર્માસ પોરબંદરના ઉપાશ્રયમાં કર્યો. પોરબંદરમાં પ્રત્યેક રવિવારે મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિરની સામેની વાડીમાં સાધ્વીજીનાં જાહેર વ્યાખ્યાનો યોજાતાં હતાં. અહીં સાહસિક ઉદ્યોગપતિ અને યુગાન્ડામાં અનેક આફતો વેઠીને વેપાર જમાવનાર શેઠ શ્રી નાનજી કાલિદાસ વ્યાખ્યાનોમાં આવતા અને ધર્મચર્ચા કરતા. પોરબંદરમાં ચાતુર્માસ કરવાની પાછળનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીજીની ભાવનાઓના પોતાની બાલ્યાવસ્થામાં ચિત્ત પર પડેલા સંસ્કારો હતા. પોરબંદરમાં ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલું કોઈ પણ સ્થળ કે મકાન મળે, તો તેને નિહાળતાં સાધ્વીજીની આંખોમાંથી અદ્ભુત આદરભાવ ટપકતો હતો. ગાંધીજીનાં ચિત્રો અને તેમની મૂર્તિઓ જોઈને પણ તેઓ ગદ્ગદિત થઈ જતાં હતાં. તે સમયે થિયોસૉફિકલ સોસાયટીના અગ્રણી કાર્યકર્તા રાજાભાઈ સાધ્વીજી મહારાજ પાસે આવતા, ચર્ચા કરતા અને થિયોસૉફિકલ સોસાયટીમાં પણ સાધ્વીજીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું. વિશ્વવિખ્યાત વિદ્વાન શ્રી મધુસૂદન ઢાંકીજીના પિતાશ્રી અમીલાલ ઢાંકી આદિ સ્થાનકવાસીઓનો બહુ જ ભાવ હતો. શ્રીસંઘના પ્રમુખ શેઠ શ્રી હરકિશનદાસજી તથા શ્રીમતી દિવાળીબહેન આદિ ભાવિકોએ પણ સેવાભક્તિ અને વ્યાખ્યાનવાણીનો સારો લાભ લીધો. ચાતુર્માસ પછી શેઠ શ્રી નાનજી કાલિદાસના આગ્રહથી એક દિવસ એમના ઘરે રહ્યા અને એમના બનાવેલ આર્ય કન્યા ગુરુકુળમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો કર્યા અને ભારત મંદિર જોવા ગયા.
ફરી વિહારયાત્રાનો પ્રારંભ થયો. અગાઉની યાત્રા પોતાની સૌરાષ્ટ્રની ભૂમિ પર હતી અને હવે પોતાની જન્મભૂમિ તરફ તેઓ પ્રયાણ કરતાં હતાં. પોરબંદરથી વિહાર કરીને ગિરનાર તીર્થ પાસે આવ્યાં. ચોવીસ વર્ષ બાદ પુનઃ યાત્રાનો અવસર મળ્યો અને ગિરનાર તીર્થની ત્રણ યાત્રા કરી. અહીં પાંચ સ્થળે વ્યાખ્યાનો થયાં. એ પછી વીરપુર, ગોંડલ, ધોરાજી થઈને દીક્ષાના ૨૭ વર્ષ પછી ૧૮ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ રાજ કોટ આવ્યા, ત્યાં ૧૫ દિવસ સ્થિરતા
કરી. રાજકોટ મોટા દેરાસરમાં ત્રણ વ્યાખ્યાનો થયા. શ્રીમદ્ રાજચંદ્રજીના સમાધિસ્થળ પર પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા ગયા. ત્યાં ભાવપૂર્વક ‘અપૂર્વ અવસર , હે પ્રભુ ! હે પ્રભુ !' વગેરેનું ગાન કર્યું. ત્યાંના ભાવિક મણિયાર કુટુંબનો કલેક્ટર સાહેબ વગેરેનો પરિચય થયો. શ્રીસંઘનાં નેહ-સભાવ મળ્યા. રાજકોટ થઈને જૈનભારતી સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાના જન્મસ્થળ સરધારની પ્રાથમિક શાળામાં ઊતર્યા.
૧૯૬૫ની પાંચમી ફેબ્રુઆરીએ ૨૭ વર્ષ પછી સાધ્વીજી સરધારની ભૂમિમાં પ્રવેશી રહ્યાં હતાં. આ ભૂમિનો પ્રેમ જાગી ઊઠ્યો. અનેક ઉત્સવો અને ઉજવણીઓ થવા લાગી.
ગામના બાપુ અમરસિંહજી એમને મળવા આવ્યા. સાધ્વીજીની વાતોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમનાં ચરણોમાં રૂપિયા ધર્યા, પરંતુ જૈન સાધ્વીના આચારવિચાર સંબંધી નિયમો એમને સમજાવતાં એનો સ્વીકાર કર્યો નહીં. તેઓ સાધ્વીજીની નિઃસ્પૃહતાથી અતિ પ્રભાવિત થયા.
એ પછી મોરબીમાં ડૉ. વલ્લભદાસ, છબીલભાઈ સંઘવી અને અન્ય ચાહકોના પ્રયત્નોથી જુદાં જુદાં સ્થળોએ પંચાવન જે ટલાં વ્યાખ્યાનો થયાં. ત્યાં ગોંડલ સંપ્રદાયના કાંતાબાઈ, જયાબાઈ સ્વામીજીની સાથે મહાવીર જયંતી થઈ અને સંયુક્ત વ્યાખ્યાનો યોજાયા અને ત્યારબાદ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં આવ્યાં. ત્યાંના મુખ્ય કાર્યકર્તા મગનલાલજી દોશી સાધ્વીજીથી બહુ પ્રભાવિત થયા. આર્ય સમાજના સ્થાપક, શિક્ષાપ્રેમી, દેશભક્ત શ્રી દયાનંદ સરસ્વતી પ્રત્યે તેઓને ગુણાનુરાગ હતો. અહીંયા સાધ્વીજીના ચિત્તમાં એક સામ્ય તરવરી રહ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતમાં જન્મ્યા અને પંજાબમાં પ્રસિદ્ધ થયા. પોતાના ગુરુ વલ્લભ વડોદરામાં જન્મ્યા અને પંજાબ કેસરી તરીકે ઓળખાયા. પોતે પણ સૌરાષ્ટ્રમાં જન્મ્યાં અને પંજાબનાં અખૂટ ભાવભક્તિ પામ્યાં.
૧૧મી જૂનના રોજ રાજકોટમાં શ્રી કાન્તા સ્ત્રીવિકાસ ગૃહની મુલાકાત લીધી, ત્યાંની પ્રવૃત્તિ જોઈને સંતોષ વ્યક્ત કર્યો. મહાન કાર્યો કરનાર કેટલીય સ્ત્રીઓના જીવનની પ્રેરણાદાયક ઘટનાઓ જણાવી. બહેનોએ પ્રાર્થના, વાચન,