________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
આ દુનિયામાં ચિત્રવિચિત્ર અવાજ સંભળાય છે. કોઈ જગ્યાએ રડવાનો અવાજ આવે છે. કોઈ દારૂ-માંસ અને વ્યભિચારમાં રત છે, જ્યારે કોઈ પ્રભુભક્તિ-દર્શનમાં મસ્ત છે. આ બધાં દૃશ્યો જોતાં સંસાર અસાર લાગે છે, પણ સંસાર અસાર છે એ વાત ખોટી છે. સંસારને કડવો-મીઠો બનાવવો એ આપણા હાથની વાત છે. સંસારમાંથી સાર ખેંચાય, તો સંસાર અમૃતમય જ છે.
બાળપણ, યુવાની અને પછી ઘડપણ એ તો પુગલનો સ્વભાવ છે. ઘડપણ આવે એટલે મૃત્યુનો ડર રહે છે, પણ જેણે આત્માનું સાધી લીધું છે તેને મૃત્યુનો ડર હોતો નથી... મૃત્યુને કદી ઇચ્છવું નહીં અને તેનો ભય રાખવો નહીં. કાળની જ્યારે આજ્ઞા થાય, ત્યારે ગમે તેને જવું પડે છે. વિદેશની સફરે જવું હોય તો આપણે દરેક પ્રકારની તૈયારી કરીએ છીએ, બંગ-બિસ્તરા બરાબર તૈયાર રાખીએ છીએ, જેથી રસ્તામાં તકલીફ ન પડે. તે જ રીતે મૃત્યુનું તેડું આવે ત્યારે ધર્મનું પોટલું તૈયાર રાખવું જોઈએ, જેથી આત્માનું કલ્યાણ થઈ શકે.
“શું ગતિ થશે મારી ?' એવું રોજ બોલીએ છીએ, પણ આપણી પ્રવૃત્તિ સારી હોય તો સારી જ ગતિ મળે. બાકી કર્મ જ એવાં કરીએ અને પછી કેવી ગતિ થશે તે તો તમારી જાતને જ પૂછવું જોઈએ !”
એમનાં આ વ્યાખ્યાનોને કારણે સહુ કોઈના હૃદય પર મોહિની છવાઈ ગઈ. ૧૯૬૭ની ૧૭મી જુલાઈએ એમણે “માતૃભક્તિ’ વિશે પ્રવચન આપતાં ઋષભદેવ ભગવાનની માતા મરુદેવા, નેમિનાથ ભગવાનની માતા શિવાદેવી, પાર્શ્વનાથ ભગવાનની માતા વામાદેવી, ભગવાન મહાવીરની પૂર્વ માતા દેવાનંદા અને એ પછી માતા ત્રિશલા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા સાથ્વી પાહિણી, છત્રપતિ શિવાજીની માતા જીજીબાઈ, સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી અને મહાત્મા ગાંધીની માતા પૂતળીબાઈનાં ઉદાહરણો આપીને માતૃમહિમા કર્યો હતો. સહુ શ્રોતાજનોને સાધ્વીશ્રીના વ્યાપ અને અભ્યાસનો ખ્યાલ આવ્યો હતો.
આ સમયે સાધ્વીશ્રી એ નેપોલિયનનું અવતરણ ટાંકીને કહ્યું, “નેપોલિયને કહ્યું છે કે માતા એ શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય છે.” અને પછી બોલ્યા કે “હું મારી જ વાત કરું તો મેં જે કંઈ શક્તિ પ્રાપ્ત કરી છે તે મારી માતાના જ પ્રતાપે છે. માતા
મળો તો આવી મળો.” અને આવું બોલ્યા પછી પોતાની પાસે બેઠેલાં માતાગુરુ, સાધ્વીજી શીલવતીશ્રીજી સમક્ષ પૂજ્ય મૃગાવતીશ્રીજીએ મસ્તક નમાવ્યું, ત્યારે સહુની આંખો ભીની થઈ ગઈ હતી.
ભાયખલા જૈન દેરાસરમાં ૧૯૬૬ની ૧૧મી ડિસેમ્બરે એમણે ‘અનેકાન્ત’ વિશે વ્યાખ્યાન આપ્યું અને સપ્તભંગીના નય સમજાવ્યા હતા. એમણે કહ્યું કે
અનેકાંતને યોગ્ય રીતે સમજવામાં આવે અને એનું આચરણ કરવામાં આવે, તો સમાજ , રાષ્ટ્ર કે વિશ્વમાં અશાંતિ અને અરાજ કતાનું જે વાતાવરણ છે, તે આપોઆપ ચાલ્યું જાય અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય.”
ભગવાન મહાવીરની ૨૫00મી નિર્વાણ શતાબ્દી વર્ષ દરમિયાનની ઉજવણી દરમિયાન અન્યત્ર તેઓ જણાવે છે કે, “ભારતીય સંસ્કૃતિને શ્રમણ ભગવાન મહાવીરની અંદુભુત દેન છે : અહિંસાવાદ, અપરિગ્રહવાદ અને અનેકાંતવાદ. સામાજિક શાંતિ માટે અહિંસા અને અપરિગ્રહની જેટલી આવશ્યકતા છે તેટલી જ જરૂર માનસિક શાંતિ માટે ભગવાન મહાવીરના અદ્ભૂત સિદ્ધાંત અનેકાંતવાદની છે. અનેકાંતવાદ કોઈ વાદ નથી. તે એક એવી દિવ્ય દૃષ્ટિ છે જે વ્યક્તિને સમ્યકુદૃષ્ટિ આપે છે. જ્યારે દૃષ્ટિ સમ્યક્ થઈ જાય છે, ગુણ ગ્રહણ કરનારી થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિનું સર્જન કરે છે, વ્યક્તિને ગુણી બનાવે છે, જીવનને ઊંચું ઊઠાવે છે અને મહાન બનાવે છે.”
વ્યાખ્યાનમાં રોજિ દાં દૃષ્ટાંતો દ્વારા મૂળ તત્ત્વની વાત ખૂબ સહજતાથી પણ માર્મિક રીતે રજૂ કરવાની કળા સાધ્વીશ્રીને હસ્તગત હતી. એકવાર વ્યાખ્યાનમાં તેઓએ જણાવ્યું કે પત્ની આખો દિવસ ‘પતિદેવ, પતિદેવ’ એવી માળા જપ્યા કરે છે, પણ પતિ જ્યારે ઘેર આવે છે અને પાણી માગે છે, જમવાનું માગે છે ત્યારે પણ તે “પતિદેવ પતિદેવ’ માળા જપ્યા કરે છે. આ રીતે માળા જપવાને બદલે તેણે પતિની જરૂરિયાતોનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. આ જ રીતે આપણે ‘મહાવીર, મહાવીર’ એમ જપ્યા કરીએ છીએ, પણ મહાવીરની આજ્ઞાનો વિચાર પણ કરતાં નથી. માત્ર માળા જપવા કરતાં પણ તેમણે ચીંધેલા રસ્તે ચાલવામાં સાચી પ્રભુભક્તિ છે. અનુષ્ઠાનને અનુરૂપ આચરણ હોવું અત્યંત જરૂરી છે.