________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મસાધના અને જ્ઞાન આરાધના
મોતીશા જૈન શ્રાવિકા પાઠશાળા અને શ્રી વલ્લભ સેવામંડળ જેવી સંસ્થાઓ દ્વારા ભાયખલા જૈન દેરાસરના રંગમંડપમાં સવારે ૯-૧૫ વાગ્યે પૂજ્ય સાધ્વી શ્રી પ્રમોદકુધાજીની નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં શેઠ મોતીશા જૈન રિલિજિયસ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સુમેરમલજી બાફના, શ્રી આત્માનંદ જૈન સભાના મંત્રીશ્રી જગજીવનદાસ ચુનીલાલ શાહ, શ્રી મગનભાઈ કરમચંદ, શ્રી બંસીલાલ જૈન, સરધાર નિવાસી શ્રી અનુપચંદભાઈ દોશી, શ્રી હેમલતાબહેન મગનલાલ, શ્રી છાયાબહેન કેશવલાલ શાહ, શ્રી ચીમનલાલ પાલીતાણાકર વગેરેએ વક્તવ્ય આપ્યું હતું ને આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં માતાગુરુની વિદાય અંગે કહ્યું,
‘બે વર્ષ પહેલાં અહીં ભાયખલામાં જ તેઓ ચાતુર્માસ માટે બિરાજમાન હતાં, આથી જાણે તેઓશ્રી અહીં બાજુમાં બેઠાં બેઠાં અમને પ્રેરણા આપી રહ્યાં હોય એવું અમને લાગે છે, પણ આ તો આભાસ છે. હકીકતમાં અમારી પાસે તેઓશ્રીએ આપેલી હિતશિક્ષા છે અને એ માર્ગ ઉપર અમે ચાલતા રહીએ એવી શક્તિ પરમાત્મા અમને આપે. સાધ્વીજીના નિધનથી આપણે દુ:ખ પ્રગટ કરીએ છીએ, પરંતુ હકીકતે આ સંસાર અસાર છે અને કાયા ભંગુર છે, માટે આપણે સહુ આરાધનામાં શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણનાં અને પરોપકારનાં કાર્યો કરતાં રહીએ એ જ સાધ્વીજીને સાચી અંજલિ છે.'
આ સમયે સાધ્વીશ્રી પ્રમોદસુધાજીએ ફરમાવ્યું કે, 'સાંજના સાડા ચાર સુધી સાધ્વીજી મહારાજ પાસે હાજર હતી અને તેઓશ્રી ખૂબ જ સમાધિમાં હતાં. એ વાત મેં મારાં ગુરુણીજીને કરી ત્યારે તે ખૂબ આનંદ પામ્યાં, પરંતુ જ્યારે તેઓશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર અપાયા ત્યારે તેઓ બોલી ઊઠ્યાં કે ‘જૈન સમાજના સાધ્વી સમુદાયમાંથી એક તારલો ખરી પડ્યો.’ પણ તેઓ એમની પાછળ એમનાં વિદ્વાન શિષ્યા શ્રી મૃગાવતીજીને યોગ્ય બનાવીને મૂકી ગયાં છે અને તે જ તેઓનું સાચું સ્મારક છે.”
જીવનનો એ કેવો અતિવિરલ સહયોગ કે જે માતાની કૂખેથી જન્મીને ભૌતિક સંસારમાં પ્રવેશવાનું બન્યું, એ જ માતા પાસેથી આધ્યાત્મિક જગતમાં પ્રયાણ કરવાનો સુયોગ સાંપડ્યો.
સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનમાં માતાના શીલસંસ્કાર અને ગુરુના ધર્મસંસ્કારોનો પ્રવાહ એકરૂપ બની ગયો હતો. બાર વર્ષનું સરધારમાં વીતેલું એમનું બાળપણ અને એ પછી માતા-ગુરુ સાથે ત્રીસ વર્ષનું ધર્મ-સાંનિધ્ય એમના જીવનને ગુરુ વલ્લભની સુવાસ, ભાવનાની મહેક અને આત્માની સમૃદ્ધિથી તરબોળ કરે છે.
જેમ માતા પુત્રીમાં પોતાનું પ્રતિબિંબ જુએ, એ જ રીતે સાધ્વીશ્રી શીલવતીજીએ પોતાની પુત્રી અને શિષ્યા મૃગાવતીજી જ્ઞાનસાધનાના માર્ગે અગ્રેસર બને તેવા સઘળા પ્રયત્નો કર્યા. એ જમાનાના જ્ઞાની સાધુભગવંતો, વિદ્વાનો અને પંડિતો પાસેથી એમને વિદ્યાપ્રાપ્તિ થતી રહે તેવી વ્યવસ્થા કરતા રહ્યા.
આમે ય યુગદ્રષ્ટા આચાર્ય પંજાબ-કેસરી શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો સંદેશો એમના સમુદાયનાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં અવિરત ગુંજતો હતો.