________________
ગૌરવવંત ભારતીય ક્રિકેટર
લાલા અમરનાથ
૧૯૩૩ની સત્તરમી ડિસેમ્બરનો વાદળવિહોણો દિવસ. ડગ્લાસ જાર્ડિનની આગેવાની હેઠળ એમ.સી.સી ને નામે ઓળખાતી ઇંગ્લૅન્ડની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો હતો. મુંબઈ જિમખાનાનું મેદાન ક્રિકેટના શોખીનોથી ઊભરાઈ ગયું હતું.
૨૧૯ રનની ખોટ સાથે ભારતે બીજા દાવનો પ્રારંભ કર્યા. ઇંગ્લૅન્ડના ક્લાર્ક અને નિકોલ્સની ઝડપી ગોલંદાજી પ્રભુત્વ જમાવવા લાગી. વઝીરઅલી માત્ર પાંચ રનમાં ક્લાર્કની ગોલંદાજીમાં નિકોલ્સના હાથમાં ઝિલાઈ ગયો. ઓપનિંગમાં આવેલો વિકેટકીપર નાવલે પણ ક્લાર્કની ગોલંદાજીના આક્રમણનો સામનો કરવા જતાં માત્ર ચાર રનના અંગત જુમલે એલિયટના હાથમાં ઝિલાયો.
૨૧ રનમાં ભારતની બે વિકેટ ખરી પડી. ઇંગ્લૅન્ડના ઝડપી ગોલંદાજોએ ભારતીય બેટધરોને પરેશાન કરી નાંખ્યા. ઈજાગ્રસ્ત સુકાની સી. કે. નાયડુ સાથે પતિયાળાનો