SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ રુચિને પરિષ્કૃત કરતું સાહિત્યસર્જન આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંપન્ન કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપો, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે અને સાથે સાથે તેની રુચિને પરિષ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્ક્સ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટનો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ. મરાઠી રંગમંચમાં પ્રયોગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી. મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લઘુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક સ્રોત બન્યું છે. જ્યારે ગુજરાતીનું પહેલું નાટક મરાઠીના અનુવાદથી શરૂ થયું હતું અને એ પછી અંગ્રેજી નાટકોના અનુવાદનું પૂર આવ્યું. ‘હરિશ્ચંદ્ર’ પણ મૌલિક નાટક નથી. આથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પહેલી નાટકમંડળી નાટક ગુજરાતીમાં કરતી અને ગીત મરાઠીમાં ગવાતાં હતાં ! રંગભૂમિ પર ભજવાય એવાં અને તેમાંય નવાં મૌલિક નાટકો સ્થિતિ સુધરી હોવા છતાં પ્રમાણમાં ઓછાં મળે છે. આને કારણે મરાઠી કે બંગાળી રંગભૂમિની છે તેવી વ્યાપક અસર ગુજરાતી રંગભૂમિની નથી. આનું એક કારણ એ છે કે મરાઠી નાટક એના ઉગમથી જ મૌલિકતા અને નૂતનતા ધરાવતું હતું. મરાઠીના આદ્ય નાટકકારોમાં વિષ્ણુદાસ ભાવે, અણ્ણાસાહેબ કિર્લોસ્કર, ગોવિંદ બલ્લાળ દેવલ, રામ ગણેશ ગડકરી વગેરેનો ફાળો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે સર્જન પહેલું હોય અને પછી વિવેચન આવે. આધુનિક સમયમાં પાશ્ચાત્યવાદો વિશે ગુજરાતીમાં વિવેચન પહેલાં લખાયું અને પછી એના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા કવિતા, ટૂંકી વાર્તા લખાતી ગઈ. એક અર્થમાં કહીએ તો અવળા ગણેશ બેઠા ! વિવેચનમાં પણ સર્જનની જેમ ઉમળકાજનક સ્થિતિ સર્જાવાની બાકી છે. હા, કેટલાક સ્ફુલિંગો જરૂર છે, પણ વ્યાપી રહે તેવું તેજ ક્યાં છે ? અક્ષરના યાત્રી. ૧૪૨ સાહિત્યિક સંવેદના સતત પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પ્રયોગનું મહત્ત્વ પ્રગટ કરવાનું કામ વિવેચકનું છે. અભિવ્યક્તિમાં પણ બદલાવ આવ્યો છે. રાજકારણ અને નફાક્ષિતાના ભાર હેઠળ દબાયેલું શિક્ષણ, વિલુપ્ત થતી કુટુંબપરંપરાને કારણે ખોરવાયેલું સમાજજીવન, સતત વધતાં જતાં આર્થિક દબાણો તેમજ સ્થાનપરિવર્તનને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિવેશ અને પ્રકૃતિનો છેદ ઊડતાં નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે. પ્રાચીન અને પરિચિત સાહિત્ય સાથે તુલનાત્મક પૃથક્કરણ કરીને તેનું મહત્ત્વ પ્રતિપાદિત કરવાનું છે. વિવેચક વાચકની માનસિક ક્ષિતિજનો વિસ્તાર કરવાનું, એની સહ-અનુભૂતિ ખીલવવાનું, પરિવર્તનમાંથી સ્થાયી તત્ત્વોને શોધવાનું અને વનને સહિષ્ણુ બનીને અખિલાઈથી જોવાનું સામર્થ્ય આપે છે. એક પરિપ્રેક્ષ્ય માટે, મૂલ્યબોધ અને સંસ્કૃતિની ખોજ માટે, આ સમયગાળામાં વધતી જતી બર્બરતા સામે એક સામાજિક ચેતના જગાવવા કાજે, નૈતિક તાણાવાણા માટે અને ભાષા નામના રહસ્યના સન્માન માટે વિવેચકનું હોવું મહત્ત્વનું છે. આજે સંશોધનની અનુકૂળતા વધી છે. સંશોધનનાં સાધનો પણ ઉપલબ્ધ થયાં છે, પણ સંશોધનની કક્ષા ચિંતાપ્રેરક છે. સંશોધન નિમિત્તે લખાતા મહાનિબંધો, લઘુશોધનિબંધો અને સંશોધનપત્રોની કક્ષા ચકાસવી જોઈએ અને તેમાં ખંત, ચીવટ તથા અભ્યાસશીલતાનું ઉમેરણ કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. દલિત સાહિત્ય અત્યારે લગભગ સ્થિર થઈ ધ્યાન ખેંચે છે, પણ આદિવાસી સાહિત્ય હજી ઉપેક્ષિત છે. લોકસાહિત્ય પ્રત્યે અભ્યાસીઓ વળ્યા છે એ શુભચિહ્ન છે, પરંતુ લુપ્ત થતા લોકસાહિત્યને સાચવવા અંગે કોઈ સઘન પ્રયાસ થતો નથી. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ પ્રત્યે મૌખિક સહાનુભૂતિ રાખવામાં આવે છે, પણ એમાં મનોરંજન માટેનાં સાંસ્કૃતિક આયોજનો જ બહુધા થાય છે. થોડા કલાકારો વિદેશ જાય કે થોડાં આયોજન થાય, એથી આ કલા જીવી જશે એમ કહી શકાય નહિ. હકીકતમાં તો આ કલા એ લોકોના જીવનનો હિસ્સો બનવી જોઈએ. બાળસાહિત્ય માટે ચર્ચા થાય છે, પણ તેનું પરિણામ શું ? આજે જગત બદલાયું છે, બાળસૃષ્ટિ બદલાઈ છે. બાળમાનસ બદલાયું છે. આ નવું પર્યાવરણ ધરાવતું બાળસાહિત્ય આપણે ત્યાં કેટલું ? બાળમાનસનો સર્વસામાન્ય બુદ્ધિ સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૪૩
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy