________________
શબ્દસંનિધિ
લેખિકાની કુશળતા એ છે કે તેઓ વડીલોના વિશ્વ પર પણ ક્યાંય પ્રહાર કરતા નથી. એમની ઇચ્છા તો ભાવનાની રીતે ચાલતી સોરાબ–રુસ્તમી તરફ આંગળી ચીંધવાની છે. બાળકની સાહિજક અને નૈસર્ગિક લાગણીને, એના ઉછળાટને ચીલાચાલુ સમાજ કેવી રીતે રૂંધે છે, તે તે બતાવે છે. એથી ય વધુ મહત્ત્વની બાબત એ છે કે આવી ઊર્મિઓ સંસ્કારી સમાજમાં રૂંધાય છે. લૉરાની માતા સમજદાર છે. પુત્રીના ભાવોની પારખુ છે. એ જ લૉરાને મીઠાઈની ટોપલી લઈને મોકલે છે. આથી એક પણ પાત્રના ભોગે લેખિકા બીજા પાત્રને ઊજળું બતાવતાં નથી; છતાં સમાજની કઠોર-નઠોર વાસ્તવિકતા હૂબહૂ ખડી કરી દે છે.
એક તરફ આનંદનો ઉત્સવ હોય છે તો બીજી તરફ માતમ પણ હોય છે. એક બાજુ ખડખડાટ હાસ્ય ગાજે છે, તો બીજી બાજુ પાંદડું ય ન ફરકે તેવું વિષાદનું સ્તબ્ધ વાતાવરણ હોય છે. જીવનમાં સુખ-દુઃખ, આનંદ-વિષાદ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ જેવી અવસ્થાઓ હાથમાં હાથ મિલાવીને એકસાથે ચાલતી જ હોય છે. આવી વિસંવાદિતાને આપણે જાણીએ છીએ ખરા, પણ ટાળી શકતા નથી. માનવ માટે અનિવાર્ય કહીએ તો અનિવાર્ય અને નિરુપાય કહીએ તો નિરુપાય એવી આ એક સ્થિતિ છે. આ નવલિકામાં જો કોઈ villain હોય તો તે આવી પરિસ્થિતિ છે.
કેથેરિન મેન્સફીલ્ડ બાલિકા લૉરાનું વિશ્વ આબેહૂબ સર્જી શક્યાં છે. એના આવેગો સાહજિક રીતે આલેખ્યા છે. એ જીવનને જાણવા મથે છે. જીવનનો એને એક અનુભવ મળે છે, પણ હજી તે જીવનને પામી નથી. જીવનનો મર્મ પામવાની લૉરાની મૂંઝવણ તો અંત લગી ટકી રહે છે. લૉરાની સહાનુભૂતિને ઉત્સવમાં ડૂબેલાઓએ અવગણી. એ જ રીતે મૃત્યુથી ડઘાડી ગયેલા લોકોને જોઈને પણ એ આઘાત અનુભવે છે. આમાં જીવનનું પ્રતીક છુપાયું છે. મુક્ત રીતે વહેતું ઝરણું એક કાંઠે
૨૨
‘ધ ગાર્ડન પાર્ટી’
નહીં, પણ બંને કાંઠે અથડાઈને પાછું પડે છે. આ આઘાતથી લૉરા ડઘાઈ ગઈ નથી. દુઃખ અને વ્યથા પછી ય એને જીવનમાં રસ છે. જીવન પ્રતિ લવલેશ તિરસ્કાર કે ઘૃણા જન્મ્યાં નથી. આઘાત પામ્યા પછી ય જીવનમાં રસ ટકી રહે તે વ્યક્તિ લેખે એનો મોટો વિજય લેખાય.
લૉરા અમુક જ રીતે જિંદગીને જોનારી છોકરી નથી. બધાં મૃત્યુના વિષાદથી ઘેરાયાં છે. માટે પોતે ય વિષાદનો આંચળો ઓઢી લેતી નથી. એના ચિત્ત પર જે વિષાદ ઝળૂબે છે તે તો વડીલોએ બતાવેલાં વલણ અને વર્તનથી જાગેલો વિષાદ છે. આ નવલિકામાં લૉરાની ભલાઈ actionથી બતાવવામાં આવી છે, ક્યાંય એનો અહેવાલ અપાતો નથી. આખા ય કથાપટ પર આ બાલિકા જાણે વાર્તાતંતુ લઈને હરતી-ફરતી હોય એવી લાગે છે. એ જિંદગીનો અર્થ પામતી નથી, પણ એનો પડકાર સ્વીકારે છે. એની લાગણીશીલતા, સંવેદનશીલતા અને જીવન જીવવાની ઉત્કંઠા દેખાઈ આવે છે. ભાવચિત્તને મોટી થયેલી લૉરાને જોવાનો અભરખો રહે જ. શું એ મોટી થઈને શ્રીમતી શેરિડન જેવી જ સમાજની રૂઢિને સ્વીકારતી થઈ હશે ? એવી નહીં થઈ હોય તો સમાજના ભીષણ આધાતો વચ્ચે આ સંવેદનશીલ બાલિકા કેવી રીતે ટકી રહી હશે ?
બે-ત્રણ વાક્યોમાં પ્રગટ થતી પાત્રની છબી, ટૂંકા, સરળ અને મનોરમ વર્ણનથી સાકાર થતી ભાવપરિસ્થિતિ, નજરે ન પડે તેટલી સ્વાભાવિકતાથી થતી ભાવસંક્રાંતિ, પાત્રમાં દિમાગને અક્ષત જાળવીને કરાયેલું નવલિકાનું કાવ્યમય આલેખન, ડગલે ને પગલે પ્રગટ થતી જીવનની વિસંવાદિતા અને ભાવચિત્તમાં ચાલતી સૂચનોની વણથંભી શોધ વાર્તાને ઊંચે આસને બેસાડે છે.
૨૩