________________
આમુખ
સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે. પ્રજાઓના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ તે દ્વારા આવિર્ભાવ પામે છે તેમ સાહિત્યથી તેમને ઉત્તેજન, આગ્રહ અને વિશદતા મળે છે. પ્રજાના સમગ્ર જીવનને - રાયથી રંક આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. માટે જ તેનાં વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ અને સાહિત્યના ઉચ્ચ આશયો અને દિવ્ય હેતુઓ સધાય માટે તેઓ ત૨ફથી ઉપાયો અને યોજના ઘડવાં જોઈએ. આ વસ્તુસ્થિતિએ ‘સાહિત્યસભા'ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકાર્યા બાદ એના મુખપત્ર *પરબ'માં ‘પરિષદ-પ્રમુખનો પત્ર’ લખવાનું બન્યું અને એ નિમિત્તે પરિષદના સભ્યો તથા વ્યાપક રૂપે સાહિત્યરસિકો સાથે સંવાદ સાધવાની તક મળી.
ગુજરાતી સાહિત્યની વર્તમાન ગતિવિધિને કેન્દ્રમાં રાખીને જુદા જુદા મુદ્દાઓની પ્રત્યેક પત્રમાં છણાવટ કરી છે. સાહિત્યરસિકોને એમાં ઊંડો રસ પડ્યો છે. કેટલાકે આ મુદ્દાઓ વિશે પ્રતિભાવ પણ આપ્યા છે.
આ સંદર્ભમાં જુદા જુદા મુદ્દાઓ અંગે શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ચંદ્રકાન્ત શેઠ અને શ્રી પ્રવીણ દરજી સાથે વિચારવિમર્શ પણ થયો. એ માટે તેઓનો આભારી છું. ‘પરબ'ના તંત્રી શ્રી યોગેશ જોશી તથા સહતંત્રી શ્રી પ્રફુલ્લ રાવલનો સદ્ભાવ કેવી રીતે ભૂલી શકાય ?
આશા રાખું છું કે સાહિત્યરસિકોને આ મુદ્દાઓ વિશે વખતોવખત વિચારવું ગમશે. ૨૦-૧૨-૦૭
- કુમારપાળ દેસાઈ
રણજિતરામ વાવાભાઈ