________________
તમારી માફક સત્યના પ્રયોગો કરતાં શીખીશું.” આ ઘટના દર્શાવે છે કે મહાત્મા ગાંધી આજના યુગમાં પણ પ્રસ્તુત છે. આ પ્રકારના વિષયવસ્તુ
પર થતી રચનાઓ નવી પેઢીને માટે હૃદયસ્પર્શી બને ખરી. નવી પેઢીને મૂલ્યો આકર્ષે છે, પણ એ મૂલ્યોનું જીવનમાં વિસ્તરણ થઈ શકે તેવો આદર્શ મળતો નથી. ‘યુગમૂર્તિ વાર્તાકાર’ રમણલાલ વસંતલાલ દેસાઈની ઈ. ૧૯૫૦ના માર્ચમાં ‘પ્રલય’ નવલકથા પ્રગટ થઈ. એક સમયે ‘ભારેલો અગ્નિ’ જેવી અહિંસક શક્તિનો મહિમા કરતી નવલકથા આપનાર રમણલાલ દેસાઈ આઝાદી પછી નિશ્ચંત થયા હતા. સામ્યવાદ અને સમાજવાદની મોટી મોટી વાતો સાથે માનવજાતની વધતી અશાંતિ જોઈને વીસમી સદી એમને ‘મોટામાં મોટું દુઃખસકું' લાગે છે. ચોપાસ સંભળાતા પ્રગતિશીલતાના ઢોલત્રાંસા એ ખગ્રાસ વખતે દીવાસળીઓ સળગાવી સળગાવી ‘આ રહ્યો પ્રકાશ ! આ રહ્યો પ્રકાશ !' કહી જનતાને વીસમી સદીના ભાટચારણો ભુલાવામાં નાખે છે તેમ કહે છે. વિજ્ઞાનીઓ અને રાજકારણીઓની બે ધરીમાં વિશ્વ વહેંચાશે અને એમના સંઘર્ષમાં વિશ્વનો વિનાશ થતો જોઈને વાનર કહે છે, ‘સારું થયું કે હું આ ઉત્ક્રાંતિમાં એક પગલું ચૂકી ગયો.' રમણલાલ દેસાઈએ એ સમયે યુવાનોને કહ્યું હતું હું ઝોળી લઈને આવ્યો છું; મને પાત્રો આપો. આજનો સર્જક પણ આજના યુવાનોને આમ કહેશે.
સુખ્યાત વિદેશી સર્જકો સર્જન પૂર્વે ઘણા લાંબા સમય સુધી કૃતિના વિષયને પામવાની મથામણ કરતા હોય છે. આને માટે એ સંશોધન કરે છે. ઉપલબ્ધ સાહિત્યસામગ્રીનું વાચન કરે છે. તાદ્દશ્ય અનુભવ મેળવવા માટે એ દૂરદૂરના પ્રદેશોના પ્રવાસે કે છેક યુદ્ધભૂમિ સુધી જતા હોય છે. નેપોલિયનના આક્ર્મણની ભૂમિકાની પડખે રશિયન સમાજનું ચિત્ર ‘વૉર ઍન્ડ પીસ'માં લિયો ટૉલ્સ્ટૉય લાંબા અનુભવના નિચોડ સાથે રજૂ કરે છે. ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક સમરસેટ મૉમે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એમ્બ્યુલન્સ વાનના ડ્રાઇવરની કામગીરી સ્વીકારી. તેઓ લશ્કરની બૌદ્ધિક પાંખમાં લેખકના નાતે સમાવેશ પામ્યા. એમના આ બધા અનુભવો એમની આત્મકથાત્મક નવલકથા ‘ઑવ હ્યુમન બોન્ડેજ' તથા ધ મૂન ઍન્ડ સિક્સ પેન્સ' નવલકથા તેમજ એમના નાટક ‘ફોર
સાહિત્યિક નિસબત
૪૮
tahikool1 -
29
સર્વિસીસ રેન્ડર્ડ' અને નવલિકાસંગ્રહ ‘અંશેન્ડન’ મળે છે. ‘ફેરવેલ ટૂ આર્મ્સ'ના સર્જક અર્નેસ્ટ હેમિંગ્વે છેક યુદ્ધભૂમિ સુધી જઈ આવ્યા હતા અને એમાંથી એમની રચનાઓનું પ્રાગટ્ય થયું હતું.
પુલિત્ઝર પારિતોષિક મેળવનાર એલેક્સ હેરેની “ધ રુટ્સ’ નવલકથામાં લેખક ગુલામો તરીકે પકડીને લવાયેલા પોતાના પૂર્વજોનાં મૂળિયાં શોધવા માટે આફ્રિકા ખંડ સુધી પહોંચે છે અને જે રીતે તેમના પૂર્વજોએ સ્ટીમરના ભંડકિયામાં પાટિયા સાથે બેડીઓથી જકડાઈને ભયાનક લાંબી મુસાફરી કરી હતી, એ રીતે એલેક્સ હેરે સ્વયં ભંડકિયામાં પુરાઈ, પાટિયા સાથે સાંકળોથી જકડાઈને મુસાફરી કરે છે. પૂરા બાર વર્ષના પુરુષાર્થને અંતે ‘ધ રુટ્સ’નું સર્જન થયું. એ માટેનો લેખકનો સંશોધનપુરુષાર્થ સ્વયં રોમાંચક કથા જેવો છે. આજે વિક્ર્મ સેઠ જેવા સર્જકો મહિનાઓ સુધી પોતાના વિષયવસ્તુનું ઊંડું સંશોધન કરે છે. તેમાં આલેખાનારી પરિસ્થિતિનો તાદ્દશ્ય અનુભવ મેળવવા પ્રયાસ કરે છે અને પછી કલમ ઉપાડે છે.
આપણા સર્જકો પોતીકા અનુભવની મૂડી બાબતે ઓછા ઊતરે એવા નથી, પરંતુ નવા નવા વિષયોની ક્ષિતિજો ખોળવાની અને એને આલેખવાની વૃત્તિ પ્રમાણમાં મંદ જોવા મળે છે. જાનપદી નવલકથા, કવિતા, વાર્તાઓ કે નાટકો પુષ્કળ પ્રમાણમાં લખાય છે, પરંતુ રાજકીય સંઘર્ષો આલેખતી રચનાઓ કેટલી ? આજે નવી પેઢીને સાહિત્ય તરફ વાળવા-આકર્ષવા માટે જાગતિક ભૂમિકાએ આપણે વિચારવું પડશે અને એ માટે નવા વિષયવસ્તુઓની ખોજ અને નવો અભિગમ જરૂરી બનશે.
નવા વિષયોની ક્ષિતિજ