________________
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવાય.
4
ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને “જીવંત શબ્દકોશ” કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી
એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દૃષ્ટિને જોઈને તેમને “સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ”” તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની “ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર" તરીકે ઓળખ આપે છે. જ્યારે હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને “હ૨કોઈ જમાનાના મહાપુરુષ"" તરીકે આદર આપે છે. કેટલાકે હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ, દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભટ્ટિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કળિકાળસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કળિકાળસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તોપણ તેમાં સહેજે અતિશયોક્તિ કહેવાશે નહિ.
-
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તો સાહિત્ય, સમાજ, દેશ, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તોલે આવે તેવી, બીજી કોઈ વિભૂતિ જોવા મળતી નથી. સાંપ્રદાયિકતાની સંકીર્ણ દીવાલોને ઓળંગીને તેઓ પોતાના સંયમ, સાહિત્ય અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી, પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુતા હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિદ્વહૃર્ય હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજાકીય અસ્મિતાનો ઉત્કર્ષ સાધ્યો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથતો અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધર્મી કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા. પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં કયું કાર્ય કર્યું હશે ? સાધુતાના આચારો સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલ અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગાડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રોમાં સાતેક દાયકા જેટલા દીર્ઘકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમના આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને “હેમયુગ” ગણવામાં આવે છે. ગુર્જર સંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત-સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન
5