________________
પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.ના
આશીર્વચના
જિનશાસનનાં અજવાળાં પાથરતાં અનેક ગ્રંથોની રચના થતી હોય છે, પરંતુ આ ગ્રંથરચના એ દૃષ્ટિએ વિરલ છે કે તેનું પ્રકાશન કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી એવા સૂરિપુંગવ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સૂરિપદના શતાબ્દી વર્ષ પ્રસંગે થઈ રહ્યું છે.
| જિનશાસનમાં આચાર્ય પદનું અનેરું મહત્ત્વ છે. આચાર્ય ભગવંત છત્રીસ ગુણધારી હોય છે અને દેશજ્ઞ, કાલજ્ઞ અને ભાવજ્ઞ હોય છે. આચાર્ય ભગવંતની મનોભૂમિકા વિશે એમ કહેવાયું છે કે તેઓ અટપટા પ્રશ્નોમાં મૂંઝાઈ ન જાય તેવું ધૃતિયુક્ત ચિત્ત ધરાવનાર, શ્રોતાઓ પાસેથી આહાર, પાત્ર કે વસ્તુની ઇચ્છા રાખતા નહીં હોવાથી અનાશસી, માયારહિત, સ્વભાવથી ગંભીર, દૃષ્ટિથી સૌમ્ય અને જ્યાં જાય ત્યાં સ્વ-પરના કલ્યાણક હોય છે. જિનશાસનમાં ઘણા ધર્મપ્રભાવક આચાર્યો થયા છે અને એમાં સૂરિપુંગવ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સ્થાન અતિ વિશિષ્ટ છે. વિજાપુરના કણબી કુટુંબમાં જન્મેલા બહેચરદાસ પોતાના યુગની ભાવનાઓના બુદ્ધિસાગર કહેવાયા. સમાજને સાચી દિશા દર્શાવનાર કર્ણધાર બની રહ્યા. જિનશાસનના સૂત્રધાર બન્યા. - આ ગ્રંથની બીજી એક વિશેષતા એ છે કે એમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીની રોજનીશીમાંથી થોડાંક કાવ્યો, નિબંધો અને વિચારો દર્શાવવામાં આવ્યા છે. એ દૃષ્ટિએ આ ગ્રંથ યોગનિષ્ઠ આચાર્યશ્રીના યોગનિષ્ઠ આત્માની ઉચ્ચ ભવ્યતાની ઝાંખી આપે છે. એમના વિચારોની ઉદાત્તતાનો પરિચય આપે છે. આ બધાને પરિણામે આપણે એ મહાન આચાર્યના હૃદયમાં ચાલતી ભાવનાઓને દૃષ્ટિગોચર કરી શકીએ છીએ. આ ગ્રંથમાં રજૂ થયેલી ભાવનાઓ અને આધ્યાત્મિક વિચારણાઓ આજના સમયમાં પણ સમાજને અને સાધકોને એટલી જ ઉપયોગી છે, જેથી આ ગ્રંથ એ સહુ કોઈના જીવનમાં ધર્મ-ઉન્નતિનો સંદેશો આપનારો બની રહેશે, તેવી ભાવના સેવું છું.
(vii)