SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિસાગરજીના ઉપદેશથી બંધ કરાવી. માણસા, પેથાપુર, વરસોડા, ઈડર વગેરે રજવાડાંઓના રાજવીઓને ઉપદેશ આપ્યો તેમ જ માંસાહાર, દારૂ, જુગાર જેવાં વ્યસનોમાંથી મુક્ત કર્યા. | વિ. સં. ૧૯૭૦ મહા સુદ પૂનમને દિવસે પેથાપુરમાં મુનિ બુદ્ધિસાગરજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. એક બાજુ ઊંડું ચિંતન ચાલે, ક્રાંતિકારી વિચારો પ્રગટે. નિજાનંદની મસ્તીમાંથી કવિતાઓ સરતી જાય. રાષ્ટ્રની સમસ્યાઓ પર પણ એમણે એમનું ચિતન આપ્યું. ‘સાચું તે મારું' એ ન્યાયે એમણે નીડરતાથી સમાજના હિતેચ્છુ બનીને કડવી વાતો પણ કહી. માન્યતા, રૂઢિ અને પરંપરામાં ગૂંચવાયેલા સમાજને જરૂર પડ્યે આગઝરતી જબાનમાં બરાબર જગાડે તેવા ચાબખા માર્યા. વ્યાખ્યાનો તો ઘણાં સાંભળ્યાં હતાં. પણ ધર્મ-દર્શનની આટલી વ્યાપક, ઉદાર અને સર્વજનસ્પર્શી રજૂઆત સાંભળીને આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી પર શ્રાવકો વારી ગયા. ક્યારેક જૈન ધર્મની વીરતાની રણભેરી બજાવે. તો ક્યારેક જ્ઞાનમાર્ગના અજાણ્યા પ્રદેશો પોતાની વાણીથી ઉઘાડી આપે. ક્વચિત્ ઉપદેશરત્નાકર કે દશવૈકાલિકનું વાચન કરે. તો ક્વચિત જૈન ધર્મની વૈજ્ઞાનિકતાના સચોટ પુરાવા આપી એની વિશ્વધર્મ તરીકેની મહત્તા દર્શાવે. ધર્મપ્રાસાદની એક એક બારી અને બારણું એમણે ઉઘાડી નાખ્યું. એમનો ગ્રંથરચનાનો પ્રવાહ સતત વહેતો હતો. પદર્શનનાં પચીસ હજારથી વધુ પુસ્તકોનું અધ્યયન કર્યું. ચોવીસ વર્ષના સાધુજીવનમાં સંયમજીવનની સઘળી આચારસંહિતા સાચવીને ૧૧૧ ગ્રંથોનું સર્જન કર્યું. ગહન એવા અધ્યાત્મવિષયક આટલા બધા ગ્રંથોનું આટલી બધી ભાષામાં સર્જન કરવું તે આજે તો આશ્ચર્યનો વિષય જ લાગે ! એક પછી એક અભ્યાસ ગ્રંથો પ્રગટ થતા રહ્યા. જિંદગીના અંત સુધી લેખનકાર્ય ચાલુ રહ્યું. - અધ્યયાત્મજ્ઞાન એ જ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું અંતિમ લક્ષ હતું. આત્માની પરમાત્મા સુધીની પરમ યાત્રા પર જ એમની નજર ઠરેલી હતી. ચિંતનશીલ સ્વભાવ ધરાવતા યોગીરાજને સૂતાં, બેસતાં કે વિહાર કરતાં એક જ રટણા રહેતી કે કઈ રીતે જનસમુદાયની આધ્યાત્મિક જ્ઞાનપિપાસા બુઝાવે તેવા ગ્રંથો આપું ! સમય મળે એટલે તરત લેખનમાં ડૂબી જાય ! એકાંત સ્થળે જઈને આત્મચિંતન અને અધ્યાત્મલેખન કરવા લાગે. એમને વિચાર આવતો કે આ ગ્રંથોને છપાવવાનું, તૈયાર કરવાનું અને તેની વહેંચણી કરવાનું કામ ઉપાડી લે તેવું મંડળ હોય તો કેવું સારું ! આ મંડળ પોતાના ગ્રંથ-શિષ્યોને છેલ્લું રૂપ આપે, વ્યવસ્થિત રાખે અને યોગ્ય વહેંચણી કરે. વિ. સં. ૧૯૬૪માં માણસામાં દેશના ખૂણેખૂણેથી મુમુક્ષુઓ ભેગા થયા. શ્રી સંઘે આગવો ઉત્સાહ દાખવ્યો. ‘અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ'ની સ્થાપના થઈ. આ સંસ્થાએ ૧૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા. કેટલાંકની તો ચાર કે પાંચ આવૃત્તિઓ થઈ. બ્રિટિશ અને વડોદરા રાજ્યના કેળવણીખાતાએ કેટલાય ગ્રંથો પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કર્યા હતા. આવી અદકેરી હતી એની ગુણવત્તા ને મર્મસ્પર્શિતા ! | યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ ને છેક દક્ષિણ મહારાષ્ટ્રના પ્રદેશોમાં વિહાર કરે છે. જૈન કે જૈનેતરો જ નહીં બલ્ક ખ્રિસ્તીઓ પણ એમની * * યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન આપણે માટે ઇતિહાસરૂપ પણ બની રહે છે, માર્ગદર્શક પણ બને છે, અને આર્યસંસ્કૃતિની ધર્મઉદારતા અને મતાંતર-સહાનુભૂતિ ઉપર પૂર્ણ પ્રકાશ પાડે છે.” રમણલાલ વ. દેસાઈ છે 19 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy