________________
સંયમ કબ હી મિલે?
પરમ ઉપકારી આદરણીય ધર્મસંસ્કારદાતા પરમ પૂજ્ય માતુશ્રી અને પિતાશ્રીના ચરણોમાં આપના બાળના ભાવભર્યા પ્રણામ. વર્ષોથી જેની નાદાનીને આપ હસીને કે રડીને સતત ખમતા આવ્યા છો ને માફ કરતા આવ્યા છો એ હું.. આપનો બાળ.. આજે કંઈક સમજદારીની... કંઈક આપણા સહુના હિતની વાત કરવા માંગું છું. નાદાની એટલી બધી કરી છે કે હવે સમજદારીની વાત કરતાં ખૂબ સંકોચ થાય છે. છતાં આ વાત કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે લખીને જણાવી રહ્યો છું. આપ ખૂબ જ શાંત ચિત્તે...મધ્યસ્થતા સાથે..એકાગ્રતાપૂર્વક આ વાત વાંચશો એવો મને વિશ્વાસ છે. Please, મારા વિશ્વાસને ટકાવી રાખજો, વાંચ્યા પછી શું કરવું એ તો આપના હાથની જ વાત છે. મારી વિનંતિ એટલી જ છે. મારી પૂરી વાત વાંચજો જરૂર. પૂર્વજન્મોના અનંતાનંત પુણ્યના ઉદયથી મને પંચેન્દ્રિયપણું અને મનુષ્યપણું મળ્યું. આર્યદેશ મળ્યો. પરમ પાવન જૈન કુળ મળ્યું અને આપના જેવા સંસ્કારી માતા-પિતા મળ્યાં. સતત ને સતત આપે મારા સંસ્કારોની કાળજી કરી, મને કુસંગ અને કુસંસ્કારોથી બચાવ્યો. ખોટું કામ કરતા રોક્યો. હજી અનંત પુણ્યનો ઉદય થયો ને મને સરનો યોગ થયો.