________________
GOOD-BYE
૩પ૯
મારી વ્હાલી, દિશાઓને કંઠે ડુમો બાઝ ને હવાની આંખમાં ઝળઝળિયા આવી જાય એવો અવસર છે દીકરીની વિદાય. દીકરીની વિદાય પિતાનું પુરુષત્વ માતૃત્વને પ્રાપ્ત કરે છે. દીકરાને પરણાવતા બાપ વધુ જુવાન બને છે. પણ દીકરીને પરણાવતા એ અચાનક જ ઘરડો થઈ જાય છે. પ્રત્યેક પિતાની આ પરીક્ષા હોય છે. આ અવસરે પિતાની છાતીએ ઝીલેલા દીકરીના આંસુમાં ઝાકળબિન્દુ જેવી અખિલાઈ હોય છે. અને દીકરીના પાલવ પર પડેલ પિતાનું એક આંસુ ઝુરતા વાત્સલ્યનો અભિષેક હોય છે.
પ્રભુને કદી પ્રાર્થના નહીં કરનાર એક પિતાએ રોજ પ્રાર્થના કરવાની શરૂ કરી હતી... “પ્રભુ, આ દુનિયાના સર્વે પુરુષોને તું સારા બનાવજે કારણ કે એમાંથી કોઈક મારી દીકરીનો પતિ થવાનો છે,