________________
જ
શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ
(૧) અકબર હિંદુસ્તાનના મુસલમાન બાદશાહોમાં અકબરનું નામ જાણીતું છે. અકબર નાનપણમાં રાજગાદીએ આવ્યો હતો. તે રાજ કરવામાં તથા માણસોના સ્વભાવ ઓળખવામાં ઘણો નિપુણ હતો. બુદ્ધિબળે કરી તેણે રાજ્યનો ઘણો વિસ્તાર કયો હતો. એના રાજ્યમાં પ્રજા પ્રાયઃ સુખી હતી. એ હિંદુ અને મુસલમાનોને સમાનદ્રષ્ટિએ જોતો હોવાથી એની રાજસભામાં નવ રત્નોમાં ત્રણ હિંદુઓ પણ હતા, ગોમાંસ પ્રત્યે બાદશાહને અરુચિ હતી. શ્રી હીરવિજયસૂરીના ઉપદેશથી એના શાસનકાલમાં અમુક દિવસે જીવહિંસાનો પણ રાજ્ય તરફથી નિષેઘ કરવામાં આવ્યો હતો એટલે તે દિવસે કોઈ જીવહિંસા કરતું નહીં. શ્રીમદ્જીએ પુષ્પમાળા-૫૮ માં લખ્યું છે કે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. અર્થાત્ શ્રીમદ્જીએ અકબરના મિતાહારી ગુણને વખાણ્યો છે. અકબર નિદ્રા પણ ઓછી લેતો હતો.
(૨) અખા (અક્ષય ભગત) અખા જ્ઞાતિએ સોની હતા. એમના નિવાસસ્થાન અંગે લોકોમાં મતભેદ છે. કેટલાક માણસો એમ કહે છે કે તે અમદાવાદના રહેવાસી હતા, ત્યારે વળી બીજાઓ એમ કહે છે કે અમદાવાદની પાસેના જેતલપુર ગામમાં તેઓ રહેતા હતા. પંદર સોળ વર્ષની વયે તેઓ જેતલપુર છોડી અમદાવાદમાં આવી વસ્યા હતા. અખાજી લગભગ વિશ વર્ષના હતા તે સમયે તેમના પિતાનો સ્વર્ગવાસ થયો હતો. થોડાક સમયમાં એમની એક બહેન જે એમને અતિ વહાલી હતી તે પણ ગુજરી ગઈ. આથી અખાજીને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો. એ જ અરસામાં એમના પત્ની પણ દેવલોક પામ્યા. એટલે અખાજીને સંસારની માયાનો પ્રત્યક્ષ અનુભવ થયો અને તે આત્મજ્ઞાનની શોધમાં અમદાવાદથી કાશી ભણી રવાના થયા. અખાજી જયપુર પહોંચ્યા, ત્યાં ગોકુળનાથને પોતાના ગુરુ કર્યા, એમ એમના કાવ્યની એક લીટી પરથી જણાય છે : “ગુરુ કીધા મેં ગોકુળનાથ.” તત્ત્વ જાણવાની ઇચ્છાથી તે થોડો સમય ત્યાં રહ્યા. પણ સત્ય-શોઘકને આલીશાન મંદિરો તથા રમણીય વિલાસભવનો જોઈ કંઈ પણ આત્મસંતોષ ન થયો. તેથી તે ત્યાંથી નીકળી પડ્યા. કાશીમાં કોઈ બ્રહ્માનંદ મહાત્માના મુખે વેદાંતના ગૂઢ તત્ત્વો જાણીને અખાજી ખૂબ જ આનંદ પામ્યા. અને તેમની પાસે જ રહીને તેમણે પંચદશી, ઉપનિષદ, યોગવાસિષ્ઠ, અધ્યાત્મ રામાયણ આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પછી તે પોતાના વતનમાં પાછા ફર્યા, અને ભગવદ્ ભજન તથા વેદાંતની ચર્ચામાં લીન રહેવા લાગ્યા.
Scanned by CamScanner