________________
પરંપરા અને પ્રગતિ
વસ્તીમાં છઠ્ઠું નંબરે આવતું આ શહેર માથાદીઠ આવકમાં ભારતભરમાં ઊંચું સ્થાન ધરાવે છે. તેની આ આબાદીના પાયામાં તેનાં સંતાનોનો ઉદ્યમ પડેલો છે. ભારતવાસીને ખાસ લાગુ ન પડે તેવી કેટલીક ખાસિયતો ગુજરાતીમાં જોવા મળે છે, તેમાં ઉદ્યમ અને વ્યવહારકુશળતા મુખ્ય છે. અમદાવાદનો વણિક આ બાબતમાં સવાઈ ગુજરાતી ગણાય તેમ છે. કરકસર તેને ગળથૂથીમાં મળેલી છે. તે ઉદ્યમી તેટલો જ ખંતીલો અને ધીરજવાન છે. સાદું અને સ્વાાયી જીવન પરંપરાથી તેણે અપનાવેલું છે. તે સરળ અને ઓછાબોલો છે. સ્વભાવે શાંતિપ્રિય પણ વ્યવહારમાં ચાલાક અને બુદ્ધિશાળી છે. છેતરવા કરતાં છેતરાવામાં નાનમ સમજે. કશાથી ઉશ્કેરાય નહીં. ઝઘડો ઊભો થાય તો સમાધાન શોધે, જેથી કામ બગડે નહીં ને આગળ ચાલે. વેપારના સોદામાં કે કરારમાં કોઈને કદી વચન ન આપે, વચન તો શું વિના કારણ તાળી પણ ન આપવી એ અમદાવાદી વિણકની નીતિ. પણ એક વાર વચન આપ્યું તો તે ગમે તે ભોગે પાળવાની પ્રામાણિકતા પણ તેનામાં છે.
ર
કંજૂસાઈની હદે પહોંચે તેવી કરકસર અમદાવાદીની રહેણીકરણીમાં દેખાય. પણ દાન આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો તેમાં પાછી પાની ન કરે. ધનની કિંમત અને ઉપયોગિતા બરાબર પિછાને, પણ તેનો દેખાડો ન કરે. ધનનો મદ તેને સામાન્ય રીતે ચડતો નથી; પણ ધનનું આકર્ષણ, બીજા કોઈના કરતાં તેને વિશેષ. સામાન્યપણે ગણતરીબાજ અને ઠંડા સ્વભાવનો ગણાતો આ વણિક ધનના મોહમાં સટ્ટો કરવા લલચાય છે ત્યારે ઘણી વાર ઉડાઉ સ્વભાવથી થાય તેથી વિશેષ આર્થિક નુક્સાન સહન કરે છે.
બીજા ગમે તે કરે, પણ પોતે તો પોતાની અસલ રીતે જ ચાલવાનો આગ્રહ અમદાવાદી રાખે છે. યુરોપિયનો, પારસીઓ અને મારવાડી વગેરે અમદાવાદ આવ્યા પણ ફાવ્યા નહીં તેનું એક કારણ એ કે તેમની રીતભાતની રૂઢિચુસ્ત અમદાવાદી ઉપર ખાસ કશી અસર નહીં થયેલી. “અમારે કોઈના વાદ નહીં” એમ કહીને તે દેખાદેખીથી ઘણુંખરું દૂર રહે છે. અમદાવાદના સ્થાપક અહમદશાહને ઘડીભર ભૂલી જઈને ‘નહીં મદ, નહીં વાદ, તેનું નામ અમદાવાદ' એવી ‘અમદાવાદ’ શબ્દની અશાસ્ત્રીય વ્યુત્પત્તિ કરીએ તો તેમાં અમદાવાદીના અસલ સ્વભાવ પર યથાર્થ પ્રકાશ પડતો જણાશે.
Scanned by CamScanner